વડોદરા,
પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફીસર રજનીશ તિવારી રૂ. 5 લાખની લાંચ લેતાં સીબીઆઈના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રજનીશ તિવારીની પત્ની પારૂ પણ રૂ. 1 લાખની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાઈ હતી.
તાજેતરમાં જ વડોદરા એકમની એસીબી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 409 સરકારી લાંચીયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયાં હતાં. જેમાંથી માત્ર 36 લોકોજ ભ્રષ્ટાચારી સાબીત થયાં હતા.
જોકે લાંચ રૂશવતના સૌથી વધુ કૃષિ, ગૃહ, મહેસુલ, શહેરી વિકાસ સહીત અન્ય સરકારી ખાતામાં ભ્રષ્ટાચારનો પ્રમાણ કેટલો છે તે આંકડાકીય માહિતી દ્વારા સમજી શકાય છે.
શહેરના અકોટા વિસ્તારમાં આવેલી પી.એફ ઓફીસ પણ ભ્રષ્ટાચારના લીસ્ટમાં આવી ગઇ છે. જ્યાં ત્રણ માસ અગાઉ પારૂ તિવારી રૂ. 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ હતી. ત્યાં તેનો પતિ રજનીશ તિવારી જે પી.એફ ઓફીસમાં એન્ફોર્સમેન્ટ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. તેને ગાંધીનગર સીબીઆઇએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, પી.એફ ઓફીસમાં એન્ફોર્સમેન્ટ ઓફીસર રજનીશ તિવારીએ કંપનીના સર્વે માટે રૂપિયા 20 લાખની લાંચની માંગણી કરી હતી. જેથી આ અંગેની ફરીયાદ ગાંધીનગર સીબીઆઇને મળી હતી.
સામાન્ય રીતે આ પ્રક્રરની ફરીયાદ લાંચ રૂશવત વિરોધી શાખાને મળતી હોય છે પરંતુ આ કેસમાં વડોદરા એસીબી ઉંઘતી ઝડપાય હોય તેવુ લાગી રહ્યું છે.
પી.એફ ઓફીસમાં એન્ફોર્સમેન્ટ ઓફીસરે સર્વે માટે રૂ. 20 લાખની માંગી કરી હોવાની ફરીયાદ સીબીઆઇને મળતા છટકુ ગોઠવી દેવામાં આવ્યું હતુ.
જોકે આજ રોજ રજનીશ તિવારી લાંચના રૂ. 5 લાખ અકોટા સ્થિત પી.એફ ઓફીસમાં સ્વીકાર્યાં અને ગાંધીનગર સીબીઆઇએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
સીબીઆઈ દ્વારા રજનીશની કારમાં પણ તપાસ કરવામાં આવી હતી. લાંચિયા રજનીસ તિવારીએ અન્ય કેટલા લોકો પાસેથી આ પ્રકારે લાંચ લીધે છે કે કેમ તે દિશામાં સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહીં છે.