નડિયાદ,
છેલ્લા કેટલાક સમયથી વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરની ગાદીને લઇ ચાલી રહેલા વિવાદનો સોમવારે અંત આવ્યો છે. સોમવારે નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા આ વિવાદ અંગે ૧૫ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે અને અજેન્દ્રપ્રસાદને ૭ દિવસની સજા ફટકારી છે, જયારે કોર્ટે વડતાલ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની તરફેણમાં ચૂકાદો આપ્યો તેઓને ગાદી પર બની રહેવા માટે આદેશ આપ્યો છે.
આ પહેલા મુદ્દત પડવાના કારણે મોકૂફ રખાઈ હતી સુનાવણી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુનાવણીમાં મુદ્દત પડવાના કારણે ૧૬ જુલાઈ સુધી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. જો કે સોમવારે જયારે નડિયાદની સેશન્સ કોર્ટમાં આ સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કોર્ટે સજા ફટકાર્યા બાદ અજેન્દ્રપ્રસાદને આ અધિકારો મળશે નહી.
નડિયાદની કોર્ટના ચુકાદા બાદ હવે અજેન્દ્રપ્રસાદ સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ, ગઢડા અને જૂનાગઢ મંદિરોની મિલકતોમાં હકદાર રહેશે નહિ સાથે સાથે તેઓને આ મંદિરોમાં પ્રવેશ મેળવવા માટે પણ ઇનકાર કરાયો છે.
આ ઉપરાંત આચાર્ય તરીકેના કોઈ અધિકાર ભોગવી શકશે નહીં તેમજ તેઓ ધૂન સહિતના કોઈ પણ કાર્યક્રમો કરી શકે નહિ.
શું હતો વડતાલ મંદિરનો વિવાદ ?
મહત્વનું છે કે, વર્ષ ૨૦૦૩માં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેન્દ્રપ્રસાદ પાંડેને સંપ્રદાયની પરંપરા વિરુદ્ધ વર્તન કરવા બદલ મંદિરની ગાદી પરથી દૂર કરવામાં આવ્યા હતા.
અજેન્દ્રપ્રસાદ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, “તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા આપી નથી રહ્યા તેમજ ચરણભેટ પણ જમા નથી કરાવી રહ્યા. ત્યારબાદ દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ કરીને તેમને પદ પરથી હટાવી દેવાયા હતા”.
મંદિરની ગાદી પરથી પદભ્રષ્ટ કરાયા બાદ અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં ગયા હતા. આ પહેલા ૧૯૮૪માં અજેન્દ્રપ્રસાદની ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૩માં અજેન્દ્ર પ્રસાદને હટાવ્યા બાદ ગાદીપતિ તરીકે રાકેશપ્રસાદજીની વરણી કરાઈ હતી.