અમદાવાદ: ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે એસીબીએ ગત માસમાં કરેલી રેડમાં રોકડા રૂ. નવ લાખ સાથે ઝડપાયેલા નિગમના મદદનીશ નિયામકની ૪૩ દિવસ બાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મળેલા નાણાં બાબતે સંતોષકારક જવાબ નહીં આપતા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારથી તેઓ નાસતા ફરતા (વોન્ટેડ) હતા.
આ મામલે એસીબી અમદાવાદના નિયામક ડી.પી.ચુડાસમાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીમાં ગત તા. ૧૨ એપ્રિલના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. આં દરોડા દરમિયાન નિગમના મદદનીશ નિયામક મનહર દેસાઈ પાસેથી રૂ. નવ લાખની રોકડ રકમ મળી આવી હતી.
આ દરોડા દરમિયાન મળી આવેલા રોકડ રૂપિયા અંગે મનહર દેસાઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આથી તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યા પછી મનહર કે.દેસાઈ નાસતા ફરતા હતા.
આ દરમિયાનમાં પોલીસ દ્વારા ગઈકાલે મનહર દેસાઈની ધરપકડ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત જમીન વિકાસ નિગમમાં ઘણા લાંબા સમયથી ભ્રષ્ટાચાર ચાલતો હતો. આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.
છેવટે રાજ્ય સરકારમાં ફરિયાદ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જે તે સમયે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે આસિસ્ટન્ટ ડાયરેક્ટર મનહર દેસાઈની પાસેથી રોકડા નવ લાખ રૂપિયા મળી આવ્યા હતા. જેના કારણે આ આખો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો.