અમદાવાદ: રાજ્યમાં ચોમાસું નબળું જતાં ઠેર-ઠેર પાણીની સમસ્યા ઉદ્ભવી છે. આ પરિસ્થિતિ આગળ જતાં વધુ વકરશે, એવું રાજ્યમાં ડેમોની હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે. કારણ કે, પ્રવર્તમાન સમયમાં રાજ્યના મોટાભાગના ડેમો અડધા ખાલી પડ્યા છે અથવા તો સૂકા ભઠ્ઠ પડ્યા છે. હાલમાં ડેમોમાં જરૂરિયાત કરતાં ઓછું પાણી હોવાથી તેની અસર સીધી અસર ખેડૂતો ઉપર અને રવિ પાક ઉપર પડશે.
ગુજરાતમાં હાલ એક તરફ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જેમાં ખેડૂતોને પાક- ખેત ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી અને પાણીની અછત વચ્ચે પિસાઈ રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર અછતગ્રસ્ત તાલુકાઓની જાહેર કરવામાં કંજુસાઈ કરી રહી છે. આ સંજોગોમાં હવે રવિપાક ઉપર પડનાર અસરને નાથવા માટે સરકાર દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તેની ઉપર જગતનો તાત મીટ માંડીને બેઠો છે.
સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત ઉત્પાદનોની ખરીદી કરવાની જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ એ ના ભૂલવું જોઈએ કે માત્ર ૧૦ ટકા ખરીદી બાદ ૯૦ ટકા ખેડૂતોએ ટેકાના ભાવથી નીચા ભાવે પાકનું વેચાણ કરવું પડે તેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઈ છે. ગુજરાતના ૩૦ ડેમમાં બિલકુલ પાણી નથી.
રાજ્યમાં રવી સિઝનમાં ૩૫ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. આ વર્ષે રાજ્યમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ઉત્તર ગુજરાતની છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં અત્યારે ૩૮.૬૦ ટકા પાણી છે. આ પૈકીના છ ડેમમાં તો માત્ર ૩૩ ટકાથી પણ ઓછું પાણી છે. જેમાં માત્ર ૨૦.૨૯ ટકા પાણી સાથે ઉત્તર ગુજરાતમાં સૌથી કફોડી સ્થિતિ તો ગુહાઈ ડેમની છે.
ઉનાળો આવતા સુધીમાં તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના ડેમ તળિયાઝાટક થઈ જશે. જો કે, રવી સિઝન માટે રાજ્ય સરકાર દ્વારા પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતાં ખેડૂતોને તેનો લાભ મળશે. આ પાણી લેવા માટે પણ ખેડૂતોએ સરકાર સમક્ષ અરજી કરવી પડશે. આ અરજી કર્યા બાદ સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં નર્મદા આધારિત સિંચાઈનું પ્રમાણ ઘણું ઓછું છે. ધરોઈ ડેમના પાણીથી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને સિંચાઈ માટે લાભ થાય છે. જયારે દાંતીવાડા ડેમમાંથી બનાસકાંઠાંના ખેડૂતોને લાભ મળતો હોય છે. આ વર્ષે સૌથી વધુ ખરાબ સ્થિતિ તો કચ્છ અને ઉત્તર ગુજરાતની જોવા મળી રહી છે.
રાજ્યમાં વિભાગવાર પાણીનો ઉપલબ્ધ જથ્થો
રાજ્યમાં વિભાગવાર ડેમોમાં પાણીની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાત વિભાગના ડેમોમાં ૩૮.૬૦ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જયારે મધ્ય ગુજરાત વિભાગના ડેમોમાં ૮૮.૯૩ ટકા પાણીનો જથ્થો, દક્ષિણ ગુજરાત વિભાગના ડેમોમાં ૫૨.૮૩ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, તો કચ્છ વિભાગના ડેમોમાં માત્ર ૧૩.૪૨ ટકા પાણીનો જથ્થો છે, જયારે સૌરાષ્ટ્ર વિભાગના ડેમોમાં ૩૮.૮૬ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ રાજ્યના વિવિધ વિભાગોમાં આવેલા ડેમોમાં પાણીનો સરેરાશ કુલ ૫૮.૫૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સરકારી આંકડાઓ પરથી જાણવા મળ્યું છે.
શિયાળુ પાક અંગે ખેડૂતોની મૂંઝવણ
ગુજરાતમાં અત્યારે જ ૩૦ ડેમો સૂકાભઠ્ઠ બન્યાં છે જેના પરિણામે ઉનાળામાં આ વિસ્તારની શું દશા થશે? તેની અત્યારથી જ ખેડૂતો ચિંતા કરવા માંડયાં છે. રાજ્યમાં હાલ શિયાળો હવે ધીરે ધીરે પગરવ માંડી રહ્યો છે. આ સંજોગોમાં ખેડૂતો પોતાનો શિયાળુ પાકની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ પાણી વિના કેવી રીતે ખેતી કરવી એ ચિંતા મુંઝવી રહી છે. જો કે, પાછોતરા વરસાદને લીધે કેટલાંય ખેડૂતો દ્વારા પાછળથી કપાસનું વાવેતર કરાયુ હતુ, પરંતુ હવે આ કપાસને પણ પાણીની જરુર ઉભી થઇ છે.પાણી વિના કપાસ સૂકાઇ રહ્યો છે.
આ ઉપરાંત શિયાળુ પાકમાં જીરું, ચણા, લસણ, ઘઉં જેવા પાકો પાણી વિના કેવી રીતે વાવવા એ પ્રશ્ન પણ ખેડૂતોમાં ઉદભવ્યો છે. પાણીના અભાવે આ વખતે શિયાળુ પાકનું ઓછુ ઉત્પાદન થઇ શકે છે. મહત્વની વાત એ છેકે, હજુ પણ ઘણાં વિસ્તારોમાં કેનાલોમાં નર્મદાનું પાણી છોડવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતો હવે આંદોલન કરવા માટે મજબૂર બન્યાં છે.
કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની હાલત કફોડી
ગુજરાતના ડેમોની સ્થિતી જોઇએ તો, રાજ્યના ૯૬ ડેમોમાં એવા છે કે, જેમાં માત્ર ૨૫ ટકાથી ઓછુ પાણી છે. જયારે ૩૪ ડેમોમાં ૨૫થી ૫૦ ટકા સુધી પાણી સંગ્રહાયેલુ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ડેમોમાં ૩૮.૧૯ ટકા પાણી છે જયારે કચ્છમાં સૌથી ખરાબ સ્થિતી છે. કેમ કે, અહીંના ડેમોમાં માત્ર ૧૩.૮૭ ટકા પાણી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારો પૂર્ણ થતાંની સાથે જ ખેડૂતો દ્વારા શિયાળુ પાકની વાવણી શરૂ કરવામાં આવશે. પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આ વખતે વાવણી કરવી ઘણી વિકટ અને મુશ્કેલભરી બની રહેશે. કારણ કે, આ વિસ્તારોમાં પાણીની ઘણી વિકટ અને ગંભીર સમસ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે, આ વિસ્તારની પાણીની સમસ્યાને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે.