ખેડા જિલ્લા વહીવટી તંત્રએ જાહેર કરાયેલા આંકડા મુજબ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. જે જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર છે. જો કે, મૃત્યઆંકને લઈને હજુ પણ પ્રશ્નાર્થ જ છે. કારણ કે, તંત્રએ હજુ સુધી કોઈ આંકડા જાહેર કર્યા નથી.
ગતરોજ જાહેર કરાયેલી અખબારયાદીનુસાર, ગુરૂવાર એટલે કે, 20મે ના રોજ ખેડા જિલ્લામાં 82 કેસ નોંધાયા છે. જે ખરેખર રાહતના સમાચાર છે. કારણ કે, લાંબા સમય બાદ 150ને પાર પહોંચેલો કોરોના સંક્રમિતોનો આંક ઓછો થયો છે. એટલે આરોગ્ય તંત્ર સહિત નગરજનોએ હાશ અનુભવી છે. જો કે, નડિયાદમાં હાલ પણ 50થી દર્દીઓ સાથે સૌથી વધુ કેસ નોંધાયા છે.
માહિતીનુસાર, ખેડા જિલ્લામાં 20મેના રોજ નોંધાયેલા 82 કેસ પૈકી નડિયાદમાં 53, વસોમાં 6, કઠલાલમાં 5,મહુધામાં 5, કપડવંજમાં 4, મહેમદાવાદમાં 3, માતરમાં 3, ઠાસરામાં 2 અને ખેડામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે 30 વેન્ટીલેટર છે અને 500 દર્દીઓ સ્ટેબલ છે. હાલ કુલ 939 દર્દી દાખલ છે.
આમ, ઉપરોક્ત આંકડાસાથે અત્યારસુધી કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક 9 હજારને પાર પહોંચ્યો છે. જ્યારે 8331 દર્દીઓને રીકવર થયા છે. આ રીતે દર્દીઓની તબિયતમાં સુધારો જોવા મળતા સામાન્ય લોકોથી લઈને વહીવટી તંત્ર સુધીના તમામ લોકોએ રાહત અનુભવી છે.