@અમિત રુપરાપા
સુરત કોર્ટ બહાર 5 મેના રોજ હત્યાના ગુનામાં તારીખમાં હાજરી આપવામાં આવેલા આરોપીની જાહેર રસ્તા પર ચપ્પુના ઘા મારીને બે ઇસમો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. આ બાબતે ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ઘટનાના ગણતરીના કલાકમાં જ સૂરજ યાદવની હત્યા કરનારા કરણસિંગ રાજપૂત અને ધીરજ રાજપુતની ધરપકડ કરી છે.
સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું હોમ ટાઉન સુરત ક્રાઇમ સિટી બનવા તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરત શહેરમાં ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યા જેવી ઘટના સતત વધી રહી છે. ત્યારે સુરત કોર્ટની સામે બે ઈસમો દ્વારા હત્યાના ગુનામાં કોર્ટની મુદ્દતે આવેલા આરોપી સુરજ યાદવની હત્યા કરવામાં આવી હતી. આ બંને ઈસમોએ ચપ્પુના 10થી 15 જેટલા ઝીંકીને સૂરજની હત્યા કરી દીધી હતી.
આ હત્યાની ઘટના બાદ બંને આરોપી ભાગી ગયા હતા અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. તો હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે સૂરજ યાદવની હત્યા કરણસિંગ રાજપુત અને ધીરજ રાજપુત દ્વારા કરવામાં આવી છે.
આ બંને આરોપી સુરતની હત્યા કરીને ભાગી ગયા હતા. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી અને નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચથી વડોદરાની વચ્ચે કરજણ પાસેની એક હોટલમાંથી આરોપીને પકડવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે કરણસિંગ રાજપૂત અને ધીરજ રાજપૂતે સુરજ યાદવની હત્યા કરવા પાછળનું કારણ એવું હતું કે, સૂરજે આરોપીઓની ગેંગના એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી અને આ અદાવતમાં તેમને સુરજની હત્યા કરી હતી. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ આરોપીઓ ઉત્તર પ્રદેશની બોસ ગેંગ સાથે પણ જોડાયેલા છે અને આ બાબતે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
સુરજ યાદવની હત્યામાં પકડાયેલા બંને આરોપી અગાઉ પણ અલગ અલગ ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. જેમાં કરણસિંગ રાજપૂત સામે સચિન પોલીસ સ્ટેશનમાં 4 અને વેસુ પોલીસ સ્ટેશનમાં 2 ગુના અગાઉ નોંધાય ચૂક્યા છે. ત્યારે ધીરજ રાજપુત સામે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ
આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા
આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે