ગુજરાત હાઇકોર્ટમાં ડ્રાયવર તરીકે છેલ્લા 30 વર્ષથી નોકરી કરતાં વ્યક્તિની પુત્રીએ સાસરિયાઓના ત્રાસથી આપઘાત કરી લેતા આ મામલે નારોલ પોલીસ મથકમાં ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં આરોપીઓએ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. જેના અંતર્ગત કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા કોર્ટે પુરાવા અને કેસની પરિસ્થતિને ધ્યાને રાખીને આરોપીઓની આગોતરા જામીન અરજીને ફગાવી દેવાનો હુકમ જાહેર કર્યો હતો.
સમગ્ર મામલો એવો છે કે , નંદિની ( નામ બદલેલ છે ) કે જે ગુજરાત હાઇકોર્ટમાં લીગલ ઓથોરીટી વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી હતી. જેના લગ્ન તેના પિતા ભવરલાલએ તેમની મરજી અને રાજીખુશીથી નીતેશ નામના યુવક સાથે વર્ષ 2016 માં કરાવ્યા હતા. લગ્નના શરૂઆતના સમયમાં નંદીનીનો પારિવારિક જીવન ખુબજ સારી રીતે પસાર થઈ રહ્યો હતો. જોકે, થોડા દિવસો ગુજર્યા બાદ તેના જીવનમાં મુસીબતોના પહાડો તૂટવાના શરૂ થયા. તેના સાસરિયાં પક્ષમાંથી તેને ત્રાસ આપવાનું શરૂ થયું. તેનો પતિ પણ તેને હેરાન પરેશાન કરવા લાગ્યો. આ સિલસિલો ઘણા સમય સુધી ચાલ્યો.સાસરિયાં પક્ષે આર્થિક બાબતે નંદીનીને હેરાન પરેશાન કરીને તેને ખોટી રીતે દબાણ આપવાનું શરૂ કર્યું. જેનાથી કંટાળીને નંદિનીએ થોડા સમય પહેલા પોતાના સસુરાલ નારોલમાં ગળે ફાંસો ખાઈને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી.
દીકરીના આપઘાતથી પિયર પક્ષના લોકોની પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. દીકરી ગુમાવનાર પિતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પતિ , સસુર અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે સેસન્સ કોર્ટમાં આરોપીઓ દ્વારા આગોતરા જામીન અરજી કરાઇ હતી. કોર્ટમાં સુનવણી હાથ ધરાતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ દ્વારા ધારધાર દલીલો તેમજ ઠોસ પુરાવા કોર્ટમાં રજૂ કરાતા નામદાર જજ એચ. જી વાઘેલાએ આરોપી મગનલાલ ( સસરા ), અને કોકિલા બેન ( સાસુ )ના આગોતરા જામીન અરજી ફગાવી દેવાનો હુકમ જાહેર કર્યો હતો.