‘કેપ્ટન’ની વિકેટ : ગુજરાતમાં ભાજપ સરકારમાં સત્તાપલ્ટાની રમત પૂરી થઈ. હવે અન્ય રાજ્યોનો વારો આવી રહ્યો છે. પરંતુ જાણે કે ગુજરાતનો ચેપ પંજાબમાં લાગી રહ્યો હોય તેમ ચૂંટણીના આઠ માસ પહેલા કોંગ્રેસને પોતાના મુખ્યમંત્રી બદલવા પડ્યા છે. આનું કારણ ત્યાંના મુખ્યમંત્રી (હવે પૂર્વ થઈ ગયેલા) કેપ્ટન અમરીન્દર સિંઘને રાજીનામું આપવું પડ્યું છે. તેનું કારણ પક્ષની આંતરિક જૂથબંધી છે. ખાસ કરીને પંજાબ કોંગ્રેસમાં નવજાેત સિધ્ધુ અને કેપ્ટન વચ્ચે જે ગજગ્રાહ અને અણબનાવ ચાલતો હતો તેના ભાગરૂપે આ સત્તાપલ્ટો આવ્યો છે અને ઘણા પ્રચાર માધ્યમોએ લખ્યું છે તે મુજબ ક્રિકેટર કમ એન્કરના શોટથી ‘કેપ્ટન’ની વિકેટ પડી છે. ઉત્તરાંચલ અને ગુજરાતના ભાજપના મુખ્યમંત્રી બાદ હવે પંજાબના મુખ્યમંત્રીને ખૂરશી છોડવી પડી છે.
આ ઘટનાક્રમ જાેઈએ તો ૨૦૧૭માં સિધુનો કોંગ્રેસમાં પ્રવેશ થયો. પ્રારંભમાં બધુ ઠીકઠાક ચાલ્યું પરંતુ જ્યારથી નવજાેત સિધુને રાજીનામું આપવું પડ્યું ત્યારથી સ્થિતિમાં પલટો આવ્યો. કેપ્ટન અને ક્રિકેટર વચ્ચેની ખાઈ વધી હતી. મોવડી મંડળે ત્રણથી વધુ વખત આ બન્ને આગેવાનો સાથે ચર્ચા કરી. આખરે સિધ્ધુને પંજાબ કોંગ્રેસનું પ્રમુખપદ સોંપાયું. પરંતુ સિધ્ધુએ પહેલા ધારાસભ્યોની બેઠક બોલાવી અને પછી તમામ પ્રધાનોને કાર્યકરોના પ્રશ્નો સાંભળી નિકાલ લાવવા માટે કાર્યાલયમાં બોલાવવા ફરમાન કર્યું. થોડા દિવસ તો આ બધું ઠીક ચાલ્યું પણ પછી મતભેદોની ખાઈ પહોળી બની. કેપ્ટનવિરોધી છાવણીના ૪૦ ધારાસભ્યોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને પત્ર લખી નેતૃત્વ પરિવર્તનની માગણી કરી. કોંગ્રેસના મોવડી મંડળે કેપ્ટનનું રાજીનામું માગી લીધું અને શનિવારે સાંજે મળેલી ધારાસભ્યોની બેઠકમાં પંજાબ કોંગ્રેસના નવા નેતા નક્કી કરવાની સત્તા કોંગ્રેસના ઈનચાર્જ રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીને આપી.
કેપ્ટને રાજીનામું તો આપ્યું પરંતુ તેઓએ સિધુ સામે રોષ વ્યક્ત કર્યો. આ પૂર્વ ક્રિકેટર પાક. વડાપ્રધાન ઈમરાનના મિત્ર છે. પાક લશ્કરી વડા બાજવાને ભેટ્યા છે તે જૂૂનો પ્રસંગ યાદ કરીને કહ્યું કે હું સિધ્ધુને તો મુખ્યમંત્રી નહિ બનવા દઉ. કારણ કે તેના કારણે દેશની સુરક્ષા પર ખતરો સર્જાશે. આમ કેપ્ટન હવે ક્રિકેટર સામે વધુ આકરા મૂડમાં આવ્યા છે. કોંગ્રેસના મોવડીમંડળે પોતાને ત્રણ વખત દિલ્હી બોલાવી અપમાન કર્યું હોવાની લાગણી પણ તેઓ અનુભવી રહ્યા છે.
પંજાબમાં કેપ્ટનના રાજીનામા સાથે તેની રચના બાદ વધું એક મુખ્ય મંત્રી બદલાયા છે. આ લિસ્ટ પ્રમામે આઝાદી બાદ પહેલા મુખ્યમંત્રી ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ગોપીચંદ ભાગવા બન્યા હતા જે કોંગ્રેસના હતાં જ્યારે ત્યારબાદ કોંગ્રેસના ભીમસેન સાચર, ફરીવાર ગોપીચંદ ભાગવા ૧૯૫૧ સુધી મુખ્યમંત્રી બન્યા હતાં. આમ ચાર વર્ષમાં તે વખતે પણ પંજાબના ત્રણ મુખ્યમંત્રી બદલાયા હતા. ૧૯૫૨ની ચૂંટણી બાદ ભીમસેન સાચર ફરી મુખ્યમંત્રી બન્યા પણ ૧૯૫૬માં ફરી તેમને સત્તા છોડવી પડી અને પ્રતાપસિંહ કેરોન મુખ્યમંત્રી બન્યા, જે લગભગ આઠ વર્ષ સુધી પંજાબના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. તેમની હત્યા બાદ રામકીશન અને પછી ગ્યાની ગુરૂમુકસિંહ મુસાફીર મુખ્યમંત્રી બન્યા હતા અને તેઓ ૧૯૬૭ની ચૂંટણી સુધી મુખ્યમંત્રી તરીકે ચાલું રહ્યાં હતાં.
૧૯૬૭માં પંજાબમાં પ્રથમ વાર પક્ષ બદલાયો. ૧૫ વર્ષ બદલાયેલા મુખ્યમંત્રીઓ સાથે કોંગ્રેસનું શાસન હતું. ૯ મુખ્યમંત્રી તેના હતા પણ ૧૯૬૭માં ૧૦મા મુખ્યમંત્રી તરીકે શીરોમણી અકાલી દળના લછમનસિંઘ ગીલે મુખ્યમંત્રી પદ સંભાળ્યું. ત્યારબાદ અકાલીદળના જ ગુરૂનામ સિંઘ મુખ્યમંત્રી બન્યા. ૧૯૭૦ સુધી તેઓ ચાલુ રહ્યા. હવે પછી અકાલીદળના ત્રીજા મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલ બન્યા જે ૨૩ વર્ષમાં પંજાબમાં બારમા મુખ્યમંત્રી હતાં. ૧૯૭૨માં પંજાબમાં ફરી કોંગ્રેસ સત્તા પર આવી અને ગ્યાની ઝૈલસિંઘ મુખ્યમંત્રી બન્યા અને છેક ૧૯૭૭ સુધી ચાલુ રહ્યાં. ૧૯૭૭માં સત્તા પલ્ટો થતાં પ્રકાશસિંઘ બાદલ બીજીવાર મુખ્યમંત્રી બન્યા. ૧૯૮૦માં ફરી કોંગ્રેસ સત્તા પર આવી અને દરબારાસિંઘ મુખ્યમંત્રી બન્યા. તેઓ ત્રણ વર્ષ મુખ્યમંત્રી રહ્યા પછી રાષ્ટ્રપતિ શાસન બાદ ત્યાં અકાલીદળનું શાસન આવ્યું અને ૧૯૮૫થી ૧૯૮૭ સુધી સુરજીત સિંઘ બરનાલા મુખ્યમંત્રી બન્યા. જે ૧૯૮૭ સુધી ચાલુ રહ્યાં હતાં. ત્યાં ૧૯૮૭ જુનથી ફેબ્રુઆરી ૧૯૯૨ સુધી રાષ્ટ્રપતિ શાસન રહ્યું. ૧૯૯૨માં કોંગ્રેસના બીઅંતસિંઘ મુખ્યમંત્રી બન્યા તો ત્રણ વર્ષમાં ફરી એકવાર કોંગ્રેસે મુખ્યમંત્રી બદલ્યા અને હરચરણસિંગ બીટ અને રાજીન્દર કોર બાદલ એ બે મુખ્યમંત્રી બદલાયા.
૧૯૭૭માં ફરી સત્તા પલ્ટો થયો. અકાલીદળ સત્તા પર આવ્યો અને પંજાબના ૨૦મા મુખ્યમંત્રી તરીકે પ્રકાશસિંઘ બાદલે ત્રીજીવાર મુખ્યમંત્રી પદ સંભાળ્યું તે પંજાબના ૨૦મા મુખ્યમંત્રી હતાં. તેઓ ૨૦૦૨ સુધી સત્તા પર ચાલું રહ્યાં. ત્યારબાદ ફરી એકવાર કોંગ્રેસની સત્તા આવી અને ૨૦૦૨થી ૨૦૦૭ સુધી કોંગ્રેસના અમરિન્દરસિંગનું શાસન આવ્યું. તેમના પાંચ વર્ષના સત્તાકાળ બાદ ૨૦૦૭માં અકાલીદળનું શાસન આવ્યું. ત્યારબાદ એક મુુખ્યમંત્રી બદલાયા અને સુખબીંદરસિંઘ બાદલનું રાજ રહ્યું. આમ અકાલીદળે બે ટર્મ પૂર્ણ કરી ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં કેપ્ટન અમરીન્દર સિંઘની આગેવાની હેઠળ ભારે બહુમતી સાથે કોંગ્રેસની સરકાર રચાઈ. કેપ્ટનની આ બીજી ટર્મ હતી અને પંજાબમાં ૨૨મા મુખ્યમંત્રી તેઓ બન્યા. હવે તેમને ચૂંટણીના આઠ માસ પહેલા વિદાય લેવી પડી છે.
પંજાબમાં ૧૯૪૭થી ૨૦૨૧ સુધીમાં ૨૨ મુખ્યમંત્રી બદલાયા છે તો સાત વખત વધતા ઓછા ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન પણ લાદવું પડ્યું છે. કેપ્ટન પોતે ૧૯૮૪ના બ્લુસ્ટાર ઓપરેશન બાદ કોંગ્રેસ છોડી પ્રાદેશિક પક્ષ રચ્યો હતો. પરંતુ તેમાં ન ફાવતા આખરે કોંગ્રેસમાં જાેડાયા હતાં. હાલ તો તેઓ કોંગ્રેસમાં છે હવે પછી તેઓ શું કરે છે તે જાેવાનું રહે છે.
પંજાબમાં અત્યારે કોંગ્રેસ સત્તા પર છે. આમ આદમી પાર્ટી પાસે મુખ્ય વિરોધ પક્ષ છે અને અકાલીદળ ભાજપનું જાેડાણ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલી આઠ બેઠક ધરાવે છે. કૃષિકાયદા સામેના આંદોલનનું એપીસેન્ટર પંજાબ છે. આ આંદોલન હવે કોને ફળે છે તે જાેવાનું રહે છે. જાે કે ચૂંટણી પહેલા ૨૩મા મુખ્યમંત્રીનું શાસન આવવાનું જ છે.
Tips / શું તમે પણ વાઇ-ફાઇ પાસવર્ડ પણ ભૂલી ગયા છો, આરીતે મેળવો પાછો
ગૂગલની ભેટ / ટૂંક સમયમાં તમે ઘણી ટીવી ચેનલો નિ:શુલ્ક જોઈ શકશો
સારા રિચાર્જ પ્લાન / રિલાયન્સ જિયોના 5 સૌથી સસ્તા ડેટા પ્લાન, 1 જીબી ડેટા 4 રૂપિયાથી ઓછામાં ઉપલબ્ધ થશે
WhatsApp / મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર લાવ્યું જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જાણો વિગતો