હાઇવે હોય કે સિટીના રોડ હોય તમામ માર્ગો પર અકસ્માતના બનાવો એવા બની રહ્યા છે કે જાણે આ કોઈ બહુ મોટી વાત ના હોય તેમ બેફામ અકસ્માતની ઘટના ઘટી રહી છે. અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળેથી આરોપી નાસી છૂટવાની વાત પણ જાણે કે સામાન્ય બની ગઈ છે. થોડા દિવસો પહેલા અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મોરબી હાઇવે ઉપર પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી અને હવે વાંકાનેર હાઇવે ઉપર બેફામ બનેલા ટ્રક ચાલકે એક સાથે ચાર લોકોને અડફેટે લેતા ત્રણ બાળકો તે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા જયારે એક વૃદ્ધનુ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વાંકાનેર નજીક હાઈવે પર આજે બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એક ટ્રક ચાલકે ત્રણ બાઈકને અડફેટે લીધા હતા જે અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું હતું તો અન્ય ચારને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નજીક નેશનલ હાઈવે પરથી પસાર થતા ટ્રકે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકચાલક એક બે નહિ પરંતુ ત્રણ ત્રણ બાઈકને ઠોકરે ચડાવ્યા હતા જે અકસ્માતમાં ઉકાભાઈ ગોવિંદભાઈ ગઢવી (ઉ.વ.૬૦) નામના વૃદ્ધનું મોત થયાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે તો અન્ય ચાર વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હાઈવે પર અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા તો પોલીસ કાફલો પણ દોડી ગયો હતો અને અકસ્માતના બનાવની ફરિયાદ નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.