એવેન્જર્સ એન્ડગેમ રિલીઝ સાથે જ સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે. મોટા ભાગના શો હાઉસફૂલ જઇ રહ્યા છે. આ પહેલી ફિલ્મ છે જેને સરકારે 24 કલાક શો આપવાની જાહેરાત કરી છે. એવેન્જર્સ એન્ડગેમે એડવાન્સ બૂકિંગમાં 10 લાખ ટિકિટના વેચાણનો રેકોર્ડ તોડ્યા બાદ માત્ર રિલીઝના 1 જ દિવસમાં 52 કરોડની અધધધ… કમાણી કરી છે. એક દિવસમાં 52 કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર આ મૂવિએ બધા જ રેકોર્ડ તોડ્યા છે.
આ ફિલ્મે પહેલા જ ફિલ્મ ક્રિટિક અને ચાહકોના દિલમાં સ્થાન જમાવ્યું છે. પહેલા દિવસની બોક્સ ઓફિસ કમાણી પર એવેન્જર્સ બીજા નંબરની ફિલ્મ બની ગઇ છે. આ લિસ્ટમાં પહેલા નંબર હજુ પણ બાહુબલી 2 નો કબજો છે, આ ફિલ્મે ઓપનિંગમાં જ રૂ.122 કરોડની જંગી કમાણી કરી હતી.
નોંધનીય છે કે ગત વર્ષે એવેન્જર્સ સીરિઝની રિલીઝ થયેલી ઇન્ફિનિટિ વોરે ભારતીય બોક્સ ઓફિસ પર 30 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે રિલીઝ પહેલા જ રેકોર્ડની વણઝાર કરી છે. એડવાન્સ બૂકિંગમાં બધી જ બ્લોકબસ્ટર મૂવિને મ્હાત આપતા આ મૂવિની 10 લાખ ટિકિટનું વેચાણ થયું હતું. તે સિવાય પણ આ મૂવિની એક ટિકિટ રૂ.2000ની કિંમતે વેચાઇ રહી છે.