બેંગ્લુર,
ઈન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓના હાથે ઝડપાયેલ અન્ડરવર્લ્ડ ડોન રવિ પૂજારી સેનેગલમાં બુરકીના ફાસો પાસપોર્ટના આધારે નવી ઓળખ અને પાસપોર્ટ સાથે રહેતો હતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હોવાનુંસ કર્ણાટક પોલિસે જણાવ્યું હતું. તે વેસ્ટ આફ્રિકામાં રેસ્ટોરાં ચેઇન ચલાવતો હતો.
રવિ પૂજારી એન્ટોની ફર્નાડિઝ તરીકેની નવી ઓળખ ધરાવતો હતો અને તેણે પોતાના માટે, પત્ની માટે તથા બાળકો માટે બુરકિના ફાસો પાસપોર્ટ હાંસલ કર્યો હતો. જોકે સતત પકડાઈ જવાના ડર અને પોતાની ઓળખ જાહેર થઈ જવાના ભયથી તે બુરકિના ફાસો ખાતેથી પણ ફરાર થયો હતો તેમ પોલિસે એક નિવેદનમાં જણાવ્યું હતું.
કર્ણાટકમાં ગેંગસ્ટર રવિ પૂજારી ખંડણી સહિતના અનેક કેસમાં વાન્ટેડ હોવાને કારણે અને તેનો રંજાડ વધતો હોવાથી ચીફ મિનિસ્ટર એચ ડી કુમારસ્વામીના નિર્દેશ અનુસાર ઈન્ટરપોલ પર તેના નામની રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી અને રાજ્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલિસ (ઈન્ટેલિજન્સ) ડૉ.અમર કુમાર પાન્ડેયએ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો સાથે સંકલન સાધીને રવિ પૂજારીને ઝડપવા ઓપરેશન હાથ ધર્યું હતું.
તપાસ દરમ્યાન પાન્ડેયને પૂજારી દ્વારા વેસ્ટ આફ્રિકન દેશો જેવા કે ગીનીયા, બુરકિના ફાસો, સેનેગલ અને આઇવરી કોસ્ટ વગેરેમાં પાર્ટનરશિપમાં ચલાવાતી રેસ્ટોરાં ચેઇન અંગે જાણકારી મળી હતી.
પૂજારી સેનેગલના પાટનગર શહેર ડાકારમાં હોવાની પાકી માહિતી મળતા તેમણે ત્યાં સ્થિત ઈન્ડિયન એમ્બેસેડરને જાણકારી આપીને સાવધ કર્યા હતા. કુમાર સેનેગલ ઈન્ટીરીયર મિનિસ્ટર એલી ગોઇલે ઉપરાંત ડિરેક્ટર ઓફ જ્યુડિશિયલ પોલિસ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા.
આખરે ત્રણ બસ ભરીને પોલિસ કાફલા સાથે તેને સેનેગરમાં ઘેરીને 21 જાન્યુઆરીએ પકડી લેવામાં આવ્યો હતો.
રવિ પૂજારી પહેલા છોટા રાજન ગેંગ સાથે જોડાયો હતો. 2000ની સાલમાં બેંગકોકમાં છોટા રાજન પર હુમલા પછી જ્યારે રાજન ગેંગમાં ફૂટ પડી ત્યારે તે અલગ થઈ ગયો હતો. તેણે પોતાની ગેંગ બનાવી હતી અને બિલ્ડરો, બોલીવૂડ સ્ટાર્સને પૈસા માટે ધમકાવવાનુ શરુ કર્યુ હતુ