સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનના પગલે ત્રાટકેલા “તાઉ-તે” વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. આ વિનાશક વાવાઝોડામાં સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામના એક જ ખેડૂતને “તાઉ-તે” વાવાઝોડાથી રૂ. કરોડોનું નુકશાન થયું હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં આ ખેડૂતને ‘તાઉ-તે’ વાવાઝોડાથી એક એકરના એવા 20 ગ્રીન હાઉસમાં ઝરબેરા ફુલનું વાવેતર કર્યું હતુ એ તમામ ગ્રીન હાઉસ વાવાઝોડામાં તબાહ થઇ ગયા છે. જ્યારે 600 આંબાની અંદાજે એક લાખ કેરીઓ ખરી જતા વ્યાપક નુકશાનની નોબત આવી છે. જ્યારે આ ફાર્મ હાઉસના 14,500 દાડમના છોડમાંથી 500 દાડમના છોડમાં ભારે નુકશાન પહોંચતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
બે દિ’અગાઉ અરબી સમુદ્રમાં આવેલા ડીપ ડીપ્રેશનના પગલે ત્રાટકેલા ‘તાઉ-તે’ વાવાઝોડાએ ઠેર-ઠેર ભારે તારાજી સર્જી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હવાઇ નિરીક્ષણ કર્યા બાદ તાઉ-તે વાવાઝોડાથી થયેલી તારાજી સંદર્ભે 1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ વિનાશક વાવાઝોડામાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની સાથે અસંખ્ય જગ્યાએ વિજ પોલો જમીનદોસ્ત થતાં વિજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે અંધારપટ છવાઇ જવાના બનાવો સામે આવ્યા હતા. જ્યારે આ વિનાશક વાવાઝોડાથી ખેતીમાં પણ વ્યાપક નુકશાન પહોંચતા ખેડૂતોને પણ રાતા-પાણીએ રોવાનો વારો આવ્યો હતો. અને રાજ્ય સરકાર દ્વારા પણ ખેતીના પાકમાં થયેલા વ્યાપક નુકશાન સંદર્ભે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
એવામાં સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામે મૂળ સુરતના રહેવાસી મફતલાલ દેવરાજભાઇ સીરોયા દ્વારા 500 વીઘાના ખેતરમાં એક એકરના એક ગ્રીન હાઉસમાં મળી કુલ 20 ગ્રીન હાઉસમાં ઝરબેરા ફુલનું વાવેતર કરવામાં આવ્યું હતુ. આ ફુલ મુખ્યત્વે બુકેમાં વાપરવામાં આવે છે. સાયલાના સેજકપરથી આ ફુલ રાજકોટ, વડોદરા, દિલ્હી, મુંબઇ અને છેક લખનૌ સુધી નિકાસ કરવામાં આવે છે. આ ફુલનો ભાવ 50 પૈસાથી લઇને રૂ. 20 સુધીનો ગણાય છે. વધુમાં આ ફાર્મ હાઉસમાં 6,00 જેટલા આંબાના છોડ અને 14,500 જેટલા દાડમના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતુ. જ્યારે 20 એકરમાં વાવેતર કરાયેલા ઝરબેરા ફુલના વાવેતરમાં રોજ અંદાજે 50,000થી 60,000 ફુલની વિક્રમ જનક આવક નોંધાતી હતી. જ્યારે બે દિ’ અગાઉ સુરેન્દ્રનગર જીલ્લામાં ત્રાટકેલા વિનાશક “તાઉ-તે” વાવાઝોડાએ ભારે તારાજી સર્જી તબાહીનું મંજર કર્યું હતુ.
આ અંગે આ ફાર્મ હાઉસના સુપરવાઇઝર જાદવભાઇ વસરામભાઇ બાવળવા જણાવે છે કે, બે દિ’અગાઉ જોરદાર પવન અને ભારે વરસાદ સાથે ત્રાટકેલા વિનાશક “તાઉ-તે” વાવાઝોડામાં અમારા ફાર્મ હાઉસની 20 ગ્રીન હાઉસ ફાટીને જમીનદોસ્ત થતાં ભારે તારાજી સર્જાઇ હતી. કારણ કે ઝરબેરા ફુલ બિલ્કુલ તડકો સહન કરી શકે નહીં. જ્યારે આ વિનાશક વાવાઝોડામાં 600 આંબાના છોડની તમામ અંદાજે એક લાખ કિલો કેરીઓ ખરી જતા મોટી નુકશાની આવી હતી. જ્યારે દાડમના પણ કુલ 14,500 છોડમાંથી 500થી વધુ છોડ વાવાઝોડામાં ખેદાન-મેદાન થઇ ગયા હતા. સાયલા તાલુકાના સેજકપર ગામના ખેડૂતને બાગાયતી પાકમાં કરોડો રૂ.નું નુકશાન થવા છતાં હજી સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરમાં ખેતીવાડીમાં કોઇ જ નુકશાન ન હોવાથી સર્વેની કામગીરી હાથ નહીં ધરાય એવો જીલ્લા ખેતીવાડી અધિકારીનો ઓડીયો વાયરલ.
સુરેન્દ્રનગર જીલ્લા ખેતીવાડી અધિકારી અેચ.ડી.વાદીએ રામકુભાઇ નામના ખેડૂત સાથે કરેલી ટેલીફોનીક વાતમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને પાકમાં કોઈ નુકસાન થયું નથી અને તમામ અહેવાલ તાલુકા મથકેથી અમોને મળી ગયો છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વે કરવાની જરૂર નથી. અને જીલ્લાના તમામ ગ્રામસેવકોને અમરેલી જિલ્લામાં સર્વેની કામગીરી માટે મુકવામાં આવ્યા છે તો સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોનો સર્વે કરવામાં કેમ નહીં આવે ?? ઓફિસમા બેઠાં બેઠાં કોઈ નુક્સાન નથીનો અહેવાલ કોના ઈશારે આપવામાં આવ્યો ? કોઈ પણ ખેતરની મુલાકાત લીધા સિવાય કંઈ પણ નુકસાન નથી તે કઈ ટેકનોલોજીથી ખબર પડે??
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પેકેજની કોઈ સહાય સુરેન્દ્રનગર જિલ્લામાં મળશે નહીં એવો ગણગણાટ ઝાલાવાડના ખેડૂતોમાં સાંભળવા મળી રહ્યોં છે.