@ 12:38 PM UPDATE
અમરેલી:
હાહામાર મચાવતું તાઉતે વાવઝોડું દીવ અને ઉનામાંથી પસાર થઇને અમરેલી જીલ્લામાં પ્રવેશ્યુ છે. અમરેલી જીલ્લામાં હાલ 175 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે અમરેલીમાંથીતાઉતે વાવાઝોડુ પસાર થઇ રહ્યુ છે. જેને લઇને ભારે પવનો સાથે જબરજસ્ત વરસાદ થઇ રહ્યો છે. વાવાઝોડાને લીધે જીલ્લાના 8 તાલુકામાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. તો રાજુલા પ્રાંત કચેરીના કાચ તૂંટી ગયા છે. વાવાઝોડાની સૌથી વધુ અસર રાજુલા અને જાફરાબાદમાં જોવા મળી છે. અહી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઇ થઇ ગયા છે.
9:30 કલાકે દીવના વણાંકબારાએ ટકરાયુ હતુ તાઉતે
તાઉતે વાવાઝોડું બરાબર રાત્રીના 9-30 કલાકે દીવના વણાંકબારા સાથે ટકરાયુ છે. આ દરમિયાન વાવાઝોડાની સાથે ગુજરાતના સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહીતના દરિયાઇ વિસ્તારોમાં 133 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂકાયો છે. હવે આ વાવાઝોડું ધીમે.ધીમે. ઉના અને દેલવાડાની આસપાસ છે. જ્યાંથી ગીર સોમનાથમાંથી પસાર થઇ અમરેલીના રાજુલા, જાફરાબાદ સહીતના વિસ્તારોમાં આગળ જવાની શક્યતા છે.
જૂનાગઢઃ
ધીમે.ધીમે વાવાઝોડાના કહેરની તસવીરો સામે આવી રહી છે. જૂનાગઢના ધરાનગર ખાતે યોગીદ્વાર પર આવેલી સિંહની પ્રતિમા વાવાઝોડાને પગલે ધરાશાઇ થઇ છે. જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.
વાવાઝોડાના કારણે 78 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં વાવાઝોડાના કારણે 78 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 3 ઇંચ વરસાદ ઉમરગામમાં નોંધાયો છે. તો ઉનામાં દોઢ ઇંચ અને ભાવનગરના મહુવામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. તો તળાજામાં પણ એક ઇંચ અને દહેગામમાં પણ એક ઇંચ વરસાદ થયો છે.
અસરગ્રસ્ત જીલ્લાના ક્લેક્ટરો સાથે મોડી રાત્રે વિડીયોવોલથી મુખ્યમંત્રીએ કરી વાત
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પર આવેલા વાવાઝોડા ના લેન્ડ ફોલ થવાની સ્થિતિ અંગે મોડી રાત્રે આ વાવાઝોડાની વધુ અસર પામનારા જિલ્લાઓ ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર અને જૂનાગઢ ના કલેકટરો સાથે સ્ટેટ કન્ટ્રોલ રૂમની વીડિયો વોલ દ્વારા વાતચીત કરીને તેમના જિલ્લાઓ માં કોવિડ હોસ્પિટલો ની સલામતિ અંગે તેમજ જિલ્લા માં શેલ્ટર હાઉસ માં આશ્રય લઈ રહેલા લોકો ની પરિસ્થતિ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાના કલેકટરો ને સતત સાવચેત રહીને કોઈ માનવ હાનિ ન થાય તે માટે અને વાવાઝોડું પસાર થઈ જાય પછી પણ સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી હતી. તેમણે આ જિલ્લાઓ માં પવન ની ગતિ વરસાદ ની સ્થિતિ ની વિગતો મેળવી સાવચેતી રાખવા પણ સૂચવ્યું હતું.
વાવાઝોડાને પસાર થતા 2 કલાક લાગશે.
શક્તિશાળી વાવાઝોડું તાઉતે ગુજરાતના દરિયાકિનારે ટકરાઇ ચૂક્યુ છે. હવામાન વિભાગે આ અંગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. વાવાઝોડાના લીધે ગુજરાતના ચાર જીલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તો આગામી બે કલાકમાં લેંડફોલની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉપસ્થિત રહી તાઉતે વાવાઝોડાના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. તેમણે મોડી રાત્રે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિત રાજ્ય સરકારના તમામ વિભાગના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજીને આ વાવાઝોડાની ગતિ, સ્થિતી અને તીવ્રતા વિશેની રજેરજની માહિતી મેળવી હતી.
- ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે
- ૧૫૦ કિલોમીટરની પ્રતિ કલાકની ગતિ સાથે ભારે પવન ફૂંકાશે.
- પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં 100 કિલોમીટર પ્રતિ કલાક ગતિનો ભારે પવન ફૂંકાશે
આ સમીક્ષા બેઠક સંદર્ભમાં વિગતો આપતા જણાવ્યું કે, તાઉતે વાવાઝોડું દીવ અને ઉના વચ્ચે આવી ચુક્યું છે. ભારે પવન અને વરસાદ શરૂ થયા છે. વાવાઝોડાને સંપૂર્ણપણે લેન્ડફોલ થતાં 2 કલાક લાગશે. અને ત્યારબાદ રાજ્ય પરથી વાવાઝોડાને પસાર થતા અન્ય 2 કલાક લાગશે. આમ રાત્રીના 1 વાગ્યા સુધી વાવાઝોડું અને તેને પગલે વરસાદ- ભારેપવન ફૂંકાવાનું ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર એમ ચાર જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે અને ૧૫૦ કિલોમીટરની પ્રતિ કલાકની ગતિ સાથે ભારે પવન ફૂંકાશે. પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં 100 કિલોમીટર પ્રતિ કલાક ગતિનો ભારે પવન ફૂંકાશે તથા આણંદ ભરૂચ અને અમદાવાદના ધોલેરા વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે.
મહુવાઃ
વાવાઝોડાને લીધુ ભાવનગરના મહુવામાં 80 થી વધારે ઝડપે પવ ફૂંકાયો છે. ભારે પવનને કારણે મહુવા શહેરનો વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે મહુવા તાલુકાના 13 ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મહુવામાંથી 9 હજાર લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.
અમરેલીઃ
અમરેલીના પીપાવાર કોસ્ટલ વિસ્તારમાં ભારે પવન ફુકાવવાનું શરૂ થયુ છે. કોસ્ટલ વિસ્તારમાં 160 થી 165 કિમી પ્રતિ કલાકે પવન ફૂકાતા દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારની મુશ્કેલી વધી શકે છે. અમરેલીના જાફરાબાદના દરિયામાં શિયાળબેટમાં ૩ બોટ તણાઇ હોવાના હેવાલ સામે આવ્યા છે. જો કે જાનહાનીના કોઇ સમાચાર નથી.
અમદાવાદ
વાવાઝોડાને લીધે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે અમદાવાદના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદના એસ.જી.હાઇવે, શ્યામલ, નહેરૂનગર, વેજલપુર, મણીનગર, ચાંદખેડા, માણેકબાગ સહીતના વિસ્તારોમાં વરસાદથી વાતવરણમાં ઠંડક પ્રસરી છે.
ગાંધીનગરઃ
મુખ્યમંત્રી વિજય રૂપાણી SEOCની મુલાકાતે પહોચ્યા છે. તેમણે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સમીક્ષા કરવા પહોચ્યા છે.તેમણે તાઉતે વાવાઝોડા અંગે અંતિમ સ્થિતિની માહિતી લીધી છે. તેમની સાથે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ હાજર છે. મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા ની સ્થિતિની છેલ્લા માં છેલ્લી પરિસ્થિતિ નો તાગ મેળવવા આજે રાત્રે ગાંધીનગર માં સ્ટેટ કન્ટ્રોલ રૂમ પહોંચીને દરિયા કાંઠા ના જિલ્લાઓ સહિત રાજ્ય ની સ્થિતિ ની સમીક્ષા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ થી કરી હતી. મુખ્ય સચિવ અનિલ મૂકીમ મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કૈલાસ નાથન મહેસૂલ ના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત ના વરિષ્ઠ સચિવો આ બેઠક માં જોડાયા છે
ઉનાઃ
વાવાઝોડાને પગલે ઉનામાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. તો અનેક વૃક્ષો પણ ધરાશાઇ થવાની ઘટનાઓ બની છે. તેની સાથે ભારે પવનને લીધે દયાનંદ સોસાયટીમાં મોબાઇલનો ટાવર ધરાશાઇ થઇ ગયો છે.
દીવઃ
વાવાઝોડું નજીક આવતા દીવમાં 100 કિમીથી વધુ ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. દીવમાં પહેલીવાર દરિયાના પાણી રસ્તા પર આવી ગયા છે. તો દીવમાં સાંજથી વિજ પુરવઠો પણ ખોરવાઇ ગયો છે. તો ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા છે.
ગીર સોમનાથઃ
ગીરસોમનાથના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહયો છે. ભારે પવનો સાથે દરિયો તોફાની બન્યો છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યુ છે તેમ તેમ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
નવસારીઃ
નવસારી જીલ્લામાં વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. નવસારીના દરિયાકાંઠે ભારે પવન ફુંકાવવાની શરૂઆત થઇ ચુકી છે. વાવાઝોડું નજીક આવતા દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. નવસારીના બોટી, માછીવાડ અને ઉમરાટ જેવા ગામોમાં હાઇએલર્ટ અપાયુ છે. તો જીલ્લાના કાંઠા વિસ્તારના 16 ગામોમાં વિજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે વિજવિભગ તરફથી આ પગલાં લેવામાં આવ્યા છે. વાવાઝોડાના લીધે નવસારી દરિયાકાંઠાના ૧૬થી વધુ ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે. જીલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ચાલું થયો છે.
જામનગરઃ
જામનગર કલેક્ટર રવિશંકરે ઓડિયો મારફતે સંદેશ પાઠવ્યો છે. જેમાં જણાવાયુ છે કે આગામી એક બે દિવસ પાણીના સપ્લાયમાં મુસીબત સર્જાઇ શકે છે. અને વીજ પુરવઠો પણ ખોરવાઇ શકે છે.
7:06 PM UPDATE
- તાઉતે વાવાઝોડુ દક્ષિણ પૂર્વ દીવથી 80 કિમી દૂર
- 8 થઈ 11 કલાકે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરાશે
- 155 થી 165 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે
- પવનની ઝડપ 185 કિમી સુધી વધી શકવાનું અનુમાન
- રાજ્યના અન્ય જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાશે
- 17 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડુ
5:30 PM UPDATE
હવામાન વિભાગની જાણકારી પ્રમાણે જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યુ છે તેમ તેમ તેની ઝડપ પણ વધી રહી છે. બપોરે 04:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી હવે માત્ર 80 કિ.મી. દૂર સ્થિત છે.”તાઉ-તે” વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.
4:25 PM UPDATE
ભારતીય હવામાન ખાતા દ્વારા અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન ”તાઉ-તે” સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 02:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 130 કિ.મી. દૂર સ્થિત છે. અને ”તાઉ-તે” વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.,તે પ્રમાણે તેની ઝડપની સમય સાથે ગણતરી કરીએ તો અત્યારે 4:24 pm વાવાઝોડું હવે દરિયાકિનારાથી ૧૦૦ કિલોમીટર જ દુર હોઇ શકે.
4:00 PM UPDATE:
ભારતીય હવામાન ખાતા દ્વારા અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન ”તાઉ-તે” સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 01:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 154 કિ.મી. દૂર સ્થિત છે. ”તાઉ-તે” વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગે ચક્રવાત તાઉ-તે ને લઇને હાઈએલર્ટ જાહેર કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરબી સમુદ્રમાં બનેલા લો પ્રેશરનાં કારણે આજે આ ‘ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાન’માં ફેરવાઇ ગયુ છે. એક દિવસ પછી, 18 મે નાં રોજ, તે ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ કાંઠાનાં રાજ્યને એલર્ટ કરી દીધું છે. અહી પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે એનડીઆરએફને પણ તૈનાત કરી દીધી છે.
સંકટમાં ગુજરાત / ગુજરાતમાં હાઇ એલર્ટ, તૌકતે વાવાઝોડાનાં કારણે 5 રાજ્યોમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત
ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ”તાઉ-તે” સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 11.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 180 કિ.મી. દૂર સ્થિત છે. ”તાઉ-તે” વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યા અનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિનાં 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતનાં અને સાગરકાંઠાનાં અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150 થી 185 કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
સંક્રમિત દર્દીઓ માટે રાહત / કોરોનાથી લડવા વધુ એક હથિયાર ભારતને મળ્યું, DRDO ની એન્ટી કોવિડ દવા 2-DG લોન્ચ
ઉલ્લેખનીય છે કે, કેરળ, કર્ણાટક અને ગોવાનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં કહેર વરસાવ્યા બાદ હવે ચક્રવાત તાઉતે ગુજરાતનાં દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. અહીં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ચક્રવાતને કારણે અત્યાર સુધીમાં 8-10 લોકોનાં મોત નીપજ્યાં હોવાનુ સામે આવી રહ્યુ છે. વળી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઘણું નુકસાન થયું છે. ઘણાં વૃક્ષો મૂળમાંથી નિકળી ગયા છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ગુજરાત માટે યલો એલર્ટ જારી કર્યુ છે અને વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવતા લોકોને સલામત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
દીવથી પ્રવેશેલું તાઉતે વાવાઝોડું 175 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે અમરેલીમાંથી પસાર થઇ રહ્યુ છે