વિશ્વ કપની બીજી મેચમાં પાકિસ્તાન વેસ્ટ ઈન્ડિઝ સામે આંચકો લાગે તેવા સ્કોરમાં સમેટાઇ ગયું હતું. વેસ્ટઇંડિઝનાં પેસ એટેક સામે પાકિસ્તાન માત્ર 105 રનમાં ઓલઆઉટ થઇ જતાં વેસ્ટ ઈન્ડિઝનો 7 વિકેટે વિજય થયો હતો. વેસ્ટ ઈન્ડિઝે માત્ર 13 ઓવરમાં જ 3 વિકેટનાં ભોગે 108 રન બનાવીને વિશ્વ કપની પહેલી જીત નોંધાવી છે.
નોટિંગમમાં રમાયેલી મેચમાં વેસ્ટઇંડિઝે ટોસ જીતીને પહેલાં ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે યોગ્ય સાબિત થયો હતો. પાકિસ્તાનનો ઓપનર ઇમામ ઉલ હક્ક 2 રન કરીને કોટ્રેલનાં બોલે આઉટ થતાં તેમની પડતીની શરૂઆત થઇ હતી. પાકિસ્તાનનાં 7 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી નહોતા શક્યા. પાકિસ્તાન તરફથી ફખર ઝમાન (22) અને બાબર આઝમ (22) ક્રીઝ પર થોડુ ઘણું ટક્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી ફાસ્ટ બોલર ઓશાને થોમસે 27 રન આપી 4 વિકેટ લીધી હતી, જ્યારે હોલ્ડરે ત્રણ વિકેટ લેતાં પાકિસ્તાનનાં ખેલાડીઓ સસ્તામાં પેવેલીયન ભેગા થયા હતા.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી ક્રિસ ગેઇલે ધમાકેદાર શરૂઆત કરીને સ્કોરને 9 ઓવરમાં 62 રન સુધી પહોંચાડ્યો હતો. જો કે હોપ (11) અને બ્રાવો (0) રન કરીને આઉટ થયા હતા. ક્રિસ ગેઇલ 34 બોલમાં 50 રન કરીને આઉટ થયો હતો. જ્યારે પુરણે 34 રન બનાવીને વેસ્ટ ઈન્ડિઝને જીત અપાવી હતી.