વિશ્વકપમાં પહેલી બે મેચમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈંન્ડિયા અને ક્રિકેટ ફેન ઘણા ખુશ છે. પરંતુ આ ખુશીમાં આજે એક ગ્રહણ લાગ્યુ હોવાનુ સામે આવ્યુ છે. ટીમનો ઓપનીંગ બેટ્સમેન શિખર ધવન ત્રણ અઠવાડિયા માટે ટીમથી બહાર થઇ ગયો છે. શિખર ધવનનાં હાથનાં અંગૂઠામાં ઈજા થઇ હોવાથી તે ત્રણ અઠવાડિયા સુધી ટીમ ઈંન્ડિયાનો હિસ્સો નહી બની શકે.
ICC World Cupમાં ભારતીય ટીમનાં સ્ટ્રાઇક બેટ્સમેન શિખર ધવન હાથનાં અંગૂઠામાં ઈજા પહોચવાના કારણે ટીમથી બહાર થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારનાર શિખર ધવનને તે મેચ દરમિયાન અંગૂઠામાં ઈજા થઇ હતી. આ ઈજા તેને બેટિંગ કરતી સમયે જ થઇ હતી, તેણે તેને ગંભીર ન લેતા પરિણામ સ્વરૂપ તે આગામી મેચોમાં રમી શકશે નહી. શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધમાકેદાર ઈંનિગ્સ રમતા 117 રન બનાવ્યા હતા. જ્યા તેની શાનદાર ઈંનિગ્સનાં કારણે તેને મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. ભારતની આગામી મેચ ગુરુવારે 13 જૂને ન્યૂઝીલેન્ડ સામે અને સૌથી મોટી મેચ પાકિસ્તાન સામે રવિવાર 16 જૂનનાં રોજ છે. ત્યારે શિખર ધવનની ગેરહાજરી ટીમ ઈંન્ડિયા માટે મોટી મુશ્કેલી બની શકે છે.
આપને જણાવી દઇએ કે, શિખર ધવનનાં ડાભા હાથનાં અંગૂઠામાં સૂઝન આવી ગઇ છે. જેના કારણે તેને સ્કેન કરાવવામાં આવ્યુ. સ્કેન બાદ જાણવા મળ્યુ કે, તેની ઈજા ગંભીર છે અને લગભગ 3 અઠવાડિયા સુધી તેણે આરામ કરવો જરૂરી છે. આપને યાદ હશે કે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવનની જગ્યાએ રવિન્દ્ર જાડેજા ફીલ્ડિંગ કરવા ઉતર્યો હતો. ધવન પોતાની ઈજાનાં કારણે ઓસ્ટ્રેલિયાની બેટિંગની શરૂઆતથી જ મેદાનમાં ઉતર્યો નહતો. તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાએ પૂરી 50 ઓવર ફીલ્ડિંગ કરી હતી.
ધવનની જગ્યાએ આવેલા જાડેજાએ યુજવેન્દ્ર ચહલનાં બોલમાં ખતરનાક બેટિંગ કરી રહેલા ગ્લેન મેક્સવેલનો કેચ લપક્યો હતો. ગ્લેન મેક્સવેલ માત્ર 14 બોલમાં તાબડતોડ 28 રન બનાવી દીધા હતા. તેણે સ્ટીવ સ્મિથ સાથે 20 બોલમાં 36 રનની ભાગેદારી કરી હતી. તેટલુ જ નહી જ્યારે ભારત મેચ જીતી ગયુ અને શિખર ધવનને એવોર્ડ સેરેમનીમાં બોલાવવામાં આવ્યો ત્યારે તેણે પોતાના ડાભા અંગૂઠામાં એક ટેપ લગાવી હતી.