– ડાબેરીઓએ 1977માં સૌપ્રથમ વખત સત્તા મેળવ્યા પછી 2011માં સત્તા ગુમાવી હતી
– 2011માં મમતા બેનરજીની ટીએમસી સામે ડાબેરીઓએ સત્તા ગુમાવી હતી
– ભાજપ 2017માં પાટીદાર આંદોલનની આંધી વચ્ચે પણ સત્તા જાળવવામાં સફળ હતુ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કાના મતદાન પછી આવતીકાલે પરિણામ છે ત્યારે અનેક એક્ઝિટ પોલ મુજબ ભાજપનું સત્તા પર પુનરાગમન નિશ્ચિત મનાય છે. જો ભાજપ એક્ઝિટ પોલના તારણ મુજબ જ સત્તા પર પુનરાગમન કરે તો તે પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાની સૌથી લાંબો સમય સત્તા પર રહેવાનો રેકોર્ડની બરોબરી કરશે. ગુજરાતમાં ભાજપ 1995થી સત્તા પર છે.
શંકરસિંહ વાઘેલાના બળવાના ટૂંકા સમયગાળાને બાદ કરતાં ગુજરાતમાં ભાજપે સત્તા જાળવી છે. 2017માં પાટીદાર આંદોલનની આંધી વચ્ચે પણ ભાજપ 99 બેઠક સાથે સત્તા જાળવવામાં સફળ રહ્યુ હતુ. આ વખતે તો આવો કોઈ અવરોધ ન હોવાના લીધે ભાજપ સંપૂર્ણપણે બહુમતી મેળવે તેમ માનવામાં આવે છે.
એબીપી ન્યૂઝ સી-વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને ગુજરાતમાં 128થી 140 બેઠકો મળવાની સંભાવના છે. એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે ભાજપને ગત ચૂંટણી કરતાં વધુ બેઠકો મળી રહી છે. એક સર્વેમાં 128થી 148 બેઠકો મળવાનો પણ અંદાજ છે. ગુજરાતમાં ભાજપને આટલી બેઠકો ક્યારેય મળી નથી. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ચૂંટણીને ત્રિકોણીય બનાવી દીધી છે. ગુજરાતમાં ત્રિકોણીય મુકાબલો હોવા છતાંય આ વખતે ભાજપને ઘણો ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
એક્ઝિટ પોલના ડેટા અનુસાર, જો ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તો ભાજપ પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના રેકોર્ડની બરાબરી કરશે. આપને જણાવી દઈએ કે ડાબેરી મોરચાએ બંગાળમાં સાત વખત જીત મેળવી હતી અને સરકાર ચલાવી હતી. બંગાળમાં 1977ની વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરી મોરચાનો પ્રથમ વખત વિજય થયો હતો અને ત્યારબાદ સતત સાત વખત જીતીને પાર્ટીએ બંગાળમાં સરકાર બનાવી હતી. 2011ની વિધાનસભા ચૂંટણીમાં ડાબેરી મોરચાને મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસનો કબજો છે.
આ પણ વાંચોઃ