આસામના કરીમગંજ જિલ્લામાં ભાજપના ઉમેદવારની કારમાંથી ઇવીએમ મળ્યા બાદ રાજકારણ ગરમાયું છે. માહોલ તણાવપૂર્ણ બની ગયો છે. ભાજપના ઉમેદવારની ગાડીમાંથી ઇવીએમ મળવાના વિવાદ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મને આ અંગે વિસ્તૃત જાણકારી નથી.
અમિત શાહે એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે હું ગુરુવારે દક્ષિણ ભારતના પ્રવાસે હતો. શનિવારે રાતે હું આ અંગે જાણકારી લઇશ. પરંતુ ચૂંટણીપંચને કોઇએ કાર્યવાહી કરતા રોક્યા નથી. પંચે કાર્યવાહી કરવી જોઇએ. કાયદા અનુસાર આયોગે પગલા ભરવા જોઇએ.
શાહે બંગાળ અને આસામની ચૂંટણીને લઇને બધી અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા કહ્યું કે બધી અટકળો 2મેના રોજ સમાપ્ત થઇ જશે. નંદીગ્રામમાં મમતા બેનર્જીની સામે ભાજપ તરફથી મેદાનમાં ઉતરેલા શુભેન્દુ અધિકારી અંગે અમિત શાહે કહ્યું કે શુભેન્દુ અધિકારી ઓછામાં ઓછા 20 હજાર મતોથી જીતશે. તેમણે કહ્યું કે શરુઆતના બે તબક્કાના મતદાનમાં ભાજપને ઓછામાં ઓછી 50 સીટો મળશે.
કરીમગંજમાં કારમાંથી મળ્યું હતું EVM
આ પહેલા આસામના કરીમગંજ જિલ્લામાં એક કારમાંથી ઇવીએમ મળવાથી માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કારનો વીડિયો ટ્વીટ કર્યો. શરુઆતી તપાસમાં ખબર પડી કે જે બોલેરો ગાડીથી ઇવીએમ મળ્યા તે પાથરકાંડી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર કૃષ્ણેન્દુ પાલની છે. આ ઘટનામાં ચૂંટણીપંચે ચાર મતદાન ઓફિસરોને સસ્પેન્ડ કરી દીધા છે અને જિલ્લા ઇલેક્શન અધિકારી પાસેથી વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.