અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના આંટાફેરા હવે જંગલ વિસ્તારને બદલે રેવન્યૂ વિસ્તારમાં વધી રહ્યા છે. શિકારની શોધમાં વન્ય પ્રાણીઓના ગામમાં આંટા ફેરા વધી રહ્યા છે. ત્યારે આવામાં બગસરાના કડાયા ગામે ખેત મજૂરની બાળકીને સિંહ ઉપાડી ગયો હતો. એક કિમી દૂર સુધી લઈ જઇ બાળકીને સિંહે ફાડી ખાધી હતી. બાદમાં એકઠા થયેલા ગામલોકોએ સાવજના મોમાંથી બાળકીનો મૃતદેહ છોડાવ્યો હતો. અહીં એક સાવજ માનવભક્ષી બની જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગ્રામજનોએ સિંહને પાંજરે પૂરો પછી મૃતદેહ સ્વીકારશે તેવી માંગ કરી હતી.
મળતી માહિતી અનુસાર, બગસરા તાલુકાના કડાયા ગામે રાત્રીના સમયે આ ઘટના બની હતી. અહીંના મહેશભાઈ જોરુભાઈ ધાધલની વાડી રાજસ્થાનના સુકરમ નામના યુવાને ભાગવી વાવવા રાખી છે. તેનો પરિવાર આજે રાત્રીના સમયે વાડીમાં હતો અને પાંચ વર્ષની પુત્રી મકાનની સામે હતી તે સમયે શિકારની શોધમાં આવી ચડેલો સાવજ આ બાળકીને ગળામાંથી પકડી નાસી ગયો હતો.
આ અંગે સુકરમે ગામ લોકોને જાણ કરતા જ ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તમામ લોકોએ મળીને બાળકીને શોધ ચલાવી હતી. ત્યાં એક કિલોમીટર દૂર સિંહ બાળકીને ફાડીને ખાતો નજરે ચઢ્યો હતો. લોકોના અવાજથી તે બાળકીને છોડીને ભાગી ગયો હતો. લોકોએ નજીક જઈને તપાસ કરી તો બાળકી મરી ગઈ હતી. સિંહના શિકારથી તેના શરીરના અંગો પણ બહાર આવી ગયા હતા.
અહીં સાવજ માનવભક્ષી બનતા રાત્રિના સમયે વાડીમાં કામ કરતા ખેત મજૂરોમાં ફફડાટ ફેલાયો છે. સાથે સાથે વન તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ માનવભક્ષી બનેલા સાવજને વનતંત્ર તાબડતોબ પાંજરે પૂરે તેવી માંગ ઉઠાવી હતી. મોડી રાત્રે બાળકીના મૃતદેહને પીએમ માટે બગસરા દવાખાને ખસેડવામા તજવીજ હાથ ધરાઇ હતી.
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ પણ આ વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો હતો અને પાંચ લોકોને ફાડી ખાધા હતા. ત્યારે હવે સિંહ માનવભક્ષી બન્યો હતો. લોકો સાંજના સમયે બહાર નીકળતા ડરી રહ્યા છે. ખાસ કરીને પોતાના બાળકોને સાચવી રહ્યાં છે.
આ પણ વાંચો:ઈદ પર બિડેનનું મોટું નિવેદન, કહ્યું- દુનિયાભરના મુસ્લિમો હિંસાનો શિકાર, ઈસ્લામોફોબિયા પડકાર