પ્રવીણ દરજી,મંતવ્ય ન્યુઝ-પાટણ
સિદ્ધપુર પાસે આવેલા બિંદુ સરોવર પાસે આવેલી કુમાર શાળા નં – 4 ની બાજુમાં છેલ્લા 50 વર્ષથી રહેતા ઠાકોર મંજુલાબેન વિજયજી મકાનનું બાંધકામ કરી રહ્યા છે.આ માટે તેઓએ સિદ્ધપુર નગર પાલિકામાં બાંધકામની પરવાનગી પણ માંગેલ હતી. પણ પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય મિહિરભાઈ ભરતભાઈ આચાર્ય દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે બાંધકામ બાબતે વાંધા અરજી કરી હતી.મહિલા પી.એસ.આઈ. એ મંજુલાબેનને લોખંડની પાઈપ વડે ઢોર માર મારતા તેમને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બેભાન થઈ જતાં તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાટણની જનતા હોસ્પિટલમાં હાલમાં દાખલ કરાયા છે. આ અંગે મંજુલાબેન અને તેમના પતિ વિજયજી પ્રધાનજી ઠાકોર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મહિલા પીએસઆઈ આર.ડી.મકવાણાને સસ્પેન્ડ કરી સમગ્ર ઘટના અંગે સિદ્ધપુર ડીવાયએસપી સી.એલ.સોલંકી દ્વારા તપાસ સોંપાઈ છે.