Surat News : સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને પોલીસને ટિયરગેસના શેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. બાદમાં પોલીસે 32 આરોપીની ધરપકડ કરી હતી, જેમાંથી 26 આરોપીને કોર્ટમાં રજૂ કરતાં 23 આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ઓટોરિક્ષામાં આવેલા તમામ 6 સગીરને જુવેનાઈલ હોમમાંથી જામીન મળી ગયા હતા. ત્યારે આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.
વરિયાવી બજારમાં ગણપતિ પંડાલમાં સગીરોએ કરેલા પથ્થરમારા બાદ જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. મુખ્ય આરોપી એવા શાતિર સગીરે પથ્થરમારો કર્યો હતો, તેણે અન્ય સગીરોને આ ઘટના બાદ પોલીસચોકીમાં બેસીને કહ્યું હતું કે કોઇપણ પૂછે કે પથ્થરમારા માટે કોણે કહ્યું તો મારું નામ નહીં લેતા. કહી દેજો કે કાળા શર્ટવાળા કોઇએ અમને પથ્થર આપ્યા હતા તેમજ સગીર જે મદરેસામાં જતો તેના મૌલવીની પણ હવે પૂછપરછ કરવામાં આવશે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં હિંસાની ઘટના બની હતી અને આ હિંસા પાછળનું મુખ્ય કારણ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના હતી, જેને 12થી 14 વર્ષના છ જેટલા સગીરો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.
આ છ સગીરમાંથી એક મુખ્ય પથ્થર ફેંકનાર આરોપી કેટલો શાતિર છે એનો અંદાજ પોલીસને ત્યારે આવ્યો જ્યારે તમામ બાળકોની પૂછપરછ પોલીસે હાથ ધરી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે લોકોએ આ સગીરોને પકડી પાડ્યા હતા. તમામને સૈયદપુરા પોલીસચોકીમાં લાવવામાં આવ્યા હતા. આ વચ્ચે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આવી પરિસ્થિતિમાં પણ આ સગીરનું શેતાની દિમાગ કામ કરી રહ્યું હતું. તે પોલીસને ગોળ ગોળ ફેરવવા લાગ્યો હતો અને મનફાવે તેનાં નામ આપતો હતો.જોકે સગીર આરોપી જે પણ જાણકારી આપતો એની પોલીસ ચકાસણી કરતી ત્યારે એ વાત ખોટી નીકળતી હતી. પોલીસે વધુ પૂછપરછ કરતાં અન્ય સગીર આરોપીઓએ આખરે જણાવ્યું હતું કે મુખ્ય સગીર આરોપી જ તેમને લઈને આવ્યો હતો અને ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો અને કહ્યં હતું કે ‘હવે જુઓ શું થશે.’ માત્ર 13 વર્ષનો સગીર આવી વાત કરે તો પોલીસને શંકા જાય છે કે આટલી હિંમત અને ખોટું કરવાનો વિચાર તેના મગજમાં ક્યાંથી આવી શકે છે.
આ સગીર આરોપીનો પરિવાર મૂળ માલેગાંવનો રહેવાસી છે, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ સુરત આવીને રહેતા હતા. બાળકના પિતા હયાત નથી અને માતાએ બીજા લગ્ન કરી લેતાં તે દાદી સાથે રહેતો હતો. મુખ્ય સગીર આરોપી છેલ્લા ત્રણ મહિનાથી મદરેસામાં ભણવા જતો હતો, જેથી તેને દોરીસંચાર કરનાર કોણ? પોલીસચોકીમાં બેખોફ બની ખોટું બોલીને પોલીસને ગોથે ચડાવનારાં બાળકોને કોણે આ બધું કરવા માટે કહ્યું હતું એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે પોલીસની અલગ અલગ ટીમ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આ બાળકોને કોણ દોરીસંચાર કરતો હતો એ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે જે પણ જવાબદાર છે એ અંગેની સંઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સૈયદપુરામાં થયેલી હિંસામાં પથ્થરમારાના કેસમાં આજે 12 સપ્ટેમ્બર 2024ના રોજ લાલગેટ પોલીસ 24 આરોપીને વધુ રિમાન્ડ માટે લઇને સુરત કોર્ટ પહોંચી હતી. આ આરોપીઓમાંથી 4 આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી, જેને કોર્ટે નામંજૂર કરતાં તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ ધરપકડ કરાયેલા તમામ આરોપીઓના પરિવાર સાથે અસદુદ્દીન ઓવૈસી પાર્ટી AIMIMના ગુજરાત પ્રમુખે મુલાકાત લીધી હતી અને તેમને પોલીસ કમિશનર કચેરી લઇને પહોંચ્યા હતા. જોકે પથ્થરમારાની ઘટના બાદ હિંસા ફાટી નીકળવાની ઘટનામાં પોલીસે 32 આરોપીની ધરપકડ કરી હતી,
જેમાંથી 26 આરોપીને લોઅર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. બન્ને પક્ષ વચ્ચે અઢી કલાક દલીલો થઈ હતી. ત્યાર બાદ કોર્ટે 23 આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે 4 આરોપીને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે ઓટોરિક્ષામાં આવેલાં તમામ 6 સગીર બાળકોને જુવેનાઈલ હોમમાંથી જામીન મળી ગયા હતા.
આ પણ વાંચો:પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યા, એક જ કુટુંબના 4નાં મોત
આ પણ વાંચો:જૂનાગઢમાં ગણેશ વિસર્જન દરમ્યાન યુવાન ડુબ્યો, 12 કલાકે મળ્યો મૃતદેહ
આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું