Ahmedabad News: અમદાવાદ શહેરની સિટી બસ કે (AMTS) જેમાં હજારો મુસાફરો બેસી નોકરી-ધંધાએ જતા હોય છે, એ જ બસે છેલ્લા 6 વર્ષમાં 72 લોકોના જીવ લીધા હોવાનું સામે આવ્યું છે. ખાનગી અને સિટી બસની ટક્કરથી છેલ્લા 6 વર્ષમાં 1790 અકસ્માત સર્જાયા છે.
વાહન વ્યવહાર વિભાગ, કોર્પોરેશનની કામગીરી અકસ્માત અને મોતના આંકડા જોતા નામ માત્ર રહી ગઈ છે. વર્ષ 2023-24માં AMTSની ટક્કરથી 12નાં મોત થયા છે. 10 ખાનગી ઓપરેટરો AMTSનું સંચાલન કરતા હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર પોલીસ અકસ્માતના કેસોમાં માત્ર દંડ વસૂલે છે તેવું લોકોનું કહેવું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) જેને એક સમયે મજાકમાં અમદાવાદ માથાફોડ ટાંગાતોડ સર્વિસ કહેવાતી હતી, તેણે રીતસરનું તેનું નામ સાર્થક કરતા છેલ્લા એક દાયકામાં કુલ 171ને મોતને ઘાટ ઉતાર્યા હતા. અમદાવાદમાં AMTSએ દસ જ વર્ષમાં સર્જેલા કુલ 7,283 અકસ્માતમાં 171ને યમસદન પહોંચાડી દીધા છે.
થોડા સમય અગાઉ અમદાવાદ (Ahmedabad) શહેરમાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. જોધપુર સ્ટાર બજારની સામે AMTSની બ્રેક ફેલ જતાં બસ બેકાબૂ બનતાં એકી સાથે 8 વાહનોને અડફેટે લીધાં હતા. જેમાં 4 થી 5 લોકોને ઈજા થવા પામી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ખાનગી બસ ઓપરેર્ટર્સે કરેલા અકસ્માતના આંકડા મુજબ મારુતિ ટ્રાવેલ્સ 22, ટાંક બસ ઓપરેશન પ્રા. લી. 20, આદિનાથ બલ્ક કેરીયર્સ પ્રા. લી. 15, મારુતિ ટ્રાવેલ્સ (દાગા) 6, મારુતિ ટ્રાવેલ્સ (દાદા) 6, માતેશ્વરી ટ્રાવેલ્સ 5, એર્હમ ટ્રાન્સપોર્ટેશન પ્રા. લી. 3 અકસ્માત સર્જ્યા છે. ડેટા પ્રમાણે 1100 અકસ્માતના કિસ્સામાં માત્ર 65.49 લાખ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. એટલે કે અકસ્માત દીઠ માત્ર રૂપિયા 5953નો દંડ વસૂલાયો છે.
અકસ્માતો, મોતની સંખ્યા સતત વધતી જઈ રહી છે ત્યારે કેમ આવાં અકસ્માત સર્જનાર સામે પગલાં નહીં લેવાતા? શા માટે આવાં ઓપરેટર સામે કોઈ નક્કર પગલાં લેવાતા નથી? આવાં ઓપરેટરોને શા માટે બ્લેક લિસ્ટ નથી કરાતાં? ખાનગી ઓપરેટરો પર કોણ આટલું મહેરબાન થઈ રહ્યું છે? અન્ય વાહનો માટે કડક નિયમ હોય તો AMTS માટે કેમ નહીં? અકસ્માતમાં મૃત્યુ પામનારનું કુટુંબ નોંધારુ થઈ જાય છે, તેની કોઈ જોગવાઈ સરકાર કે તંત્ર કરતું નથી. ચાર લાખ રૂપિયામાં કે બે લાખ રૂપિયામાં એક કુટુંબનું શું દળદર ફૂટે. બેફામ ડ્રાઇવિંગ કરનારાઓને બેફામ દંડ કેમ ફટકારવામાં આવતો નથી.
આ પણ વાંચો:અમદાવાદમાં AMTSની બ્રેક ફેલ થતાં અકસ્માત, 8 વાહનો ધડાકાભેર અથડાયા
આ પણ વાંચો:અમદાવાદમાં બોપલની રહેણાક સોસાયટીમાં AMTSની બસ ઘૂસી ગઈ
આ પણ વાંચો:AMTSની બસ છે કે ‘યમદૂત’, એક દાયકામાં 171ને પહોંચાડ્યા યમસદન