@ સચિન પીઠવા , સુરેન્દ્રનગર , મંતવ્ય ન્યુઝ.
કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારોના તેજસ્વી બાળકોને ભારત સરકારના મીઠા વિભાગ દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ માટેના ફોર્મમાં અગરિયા અને મીઠા કામદારો પાસે ઓળખકાર્ડ ન હોવાના મુદે તેમના બાળકો આ સ્કોલરશીપની યોજનાથી વંચિત રહી જાય તેવા સંજોગો ઉભા થયા હોવાની અગરિયા અને મીઠા કામદારો દ્વારા રાવ કરવામાં આવી રહી છે.
સોલ્ટ ડિપાર્ટમેન્ટ એટલે ભારત સરકાર નમક વિભાગ. સરકારનો આ મીઠા વિભાગ છેલ્લા 15 વરસથી અગરિયા અને મીઠા કામદારના બાળકોને વરસે એક વખત સ્કોલરશીપ આપે છે. આ સ્કોલરશીપમાં ધોરણ પ્રમાણે અલગ- અલગ રકમ હોય છે. અને બાળકો આ ફોર્મ ઉત્સાહથી ભરતા હોય છે. અગરિયા પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોય અને બાળક આ સ્કોલરશીપથી વંચિત ન રહી જાય તેટલા સારું એ વખતના ઉમદા અધિકારીઓએ ખૂબ સરળ ફોર્મ અને સરળ ડોક્યુમેન્ટ જોડવા પડે તેવું આયોજન કર્યું હતું. છેલ્લે જે ધોરણ પાસ કર્યું હોય તેની માર્કશીટ અને આ બાળક હજુ પણ ભણે છે તેવો નિશાળનો દાખલો જોડો અને તમે જે મીઠાના એકમમાં કામ કરતા હોય એ પછી મીઠા મંડળી હોય કે સોલ્ટ વર્કસ. બસ એ એકમ ફોર્મમાં સહી કરી આપે કે આ બાળકના પિતા અહીંયા કામ કરે છે. આટલી સાદી વિધિથી કામ થઈ જતું.
જ્યારે આ વરસે અગરિયા જોબ કાર્ડ પણ જોડવા તેવું ફરમાન થયું છે. બધા જાણે છે આજે અગરિયા ઓળખ જોબ કાર્ડ મામલે શું સ્થિતિ છે. છેલ્લા 8 વરસમાં અગરિયા ઓળખ કાર્ડ કઢાવવા લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ છે. અગરિયા અને મીઠા કામદારોને આ કાર્ડ કઢાવવા માટે કેટલી ઠોકરો ખાવી પડી રહી છે તે અગરિયાઓ કે મીઠા કામદારોને જઈને પુછીયે તો ખબર પડે. આજ કાલ ખુદ અગરિયાના ઓળખકાર્ડ જ વિવાદોમાં આવી ગયા છે. જે અગરિયા કે મીઠાકામદાર બાળકોના પિતા પાસે આ અગરીયા ઓળખકાર્ડ -જોબકાર્ડ નથી એ બાળકની માનસિક સ્થિતિ કેવી થશે તેનો કોઈ એ ખ્યાલ સુદ્ધાં કર્યો છે ? નિશાળમાં દશ બાળકો ફોર્મ ભરતા હોય અને ત્રણ બાળકોને અગરિયા કે મીઠા કામદાર હોવા છતાં જોબ કાર્ડ વગર ઓશિયાળી આંખે બેસી રહેવું પડે એ કેવું વરવું કહેવાય. ચૌદ વરસથી જોબ કાર્ડની જરૂર ન પડી અને આ વરસે ઓચિંતી જ કેમ જરૂર ઉભી થઇ ? આમ જોવા જઈએ તો સોલ્ટ ડિપાર્ટમેન્ટની ખારાઘોડા, હળવદ, ધ્રાંગધ્રા અને માળીયા જેવી કચેરીઓમાંથી સોલ્ટ ઇન્સ્પેકટર અથવા સોલ્ટ અધિકારી દ્વારા દર મહિને સરકારમાં એક સ્ટેટમેન્ટ જતું હોય છે. એ સ્ટેટમેન્ટમાં લખવામાં આવે છે કે, આ ક્ષેત્રમાં કેટલા મીઠા કામદાર/અગરિયા છે તેમની સંખ્યા લખાય છે. તેમાં કેટલા સ્ત્રી છે કેટલા પુરુષ છે એ પણ લખાય છે. સાત દાયકાથી અગરિયાઓ વચ્ચે રહેતું સોલ્ટ ડિપાર્ટમેન્ટ અને માત્ર મીઠાનું નિયમન અને અગરિયાની કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરતા હોવાનો દાવો કરતું આ ડિપાર્ટમેન્ટ માત્ર મીઠું અને મીઠા કામદાર/ અગરિયા માટે જ છે. છતાં પણ તેમને અગરિયાની ઓળખ માંગવી પડે એ કમનસીબી નહિ તો બીજું શું. ! મીઠાનું કામ કરતા સેંકડો પરિવારો કેટલીયે આટીઘૂંટી વચ્ચે અટવાયેલા છે. તેમાંથી બહાર નીકળવા સહુ સાથે મળીને મથામણ કર્યા કરે છે. એમાં આ એક મથામણ વધારી દીધી.
અગરિયા આગેવાનોના જણાવ્યા પ્રમાણે સરકારમાં અગરિયાઓના જોબકાર્ડ કાઢી આપવાની પ્રક્રિયા છેલ્લા આઠ વર્ષથી લગભગ બંધ છે. અને ઘણા અગરિયાઓ નવા જોબકાર્ડ મેળવવા માટે તંત્ર પાસે રઝળપાટ કરે છે. બીજી બાજુ અગરિયાઓ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરતા હોવાનું દાવો કરતું અને મીઠાના અગરો પાસે દાયકાઓથી સજ્જ અધિકારીઓની સાથેની કચેરીઓ ધરાવતા સરકારના નમક વિભાગે પોતે અગરિયાઓને ઓળખવા માટે બીજાના ડોક્યુમેન્ટનો આધાર લેવો પડે એ કમનસીબી છે. જો કે જોબકાર્ડ મુદે ગુજરાત સ્થિત ડેપ્યુટી સોલ્ટ કમિશનર ઓફિસ દ્વારા કોઇ નિરાકરણ ન આવે તો સમસ્ત અગરિયા સમુદાય કચ્છના નાના રણ દ્વારા સોલ્ટ કમિશનર કચેરી જયપુર સુધી રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.