શાબાશ/ વડોદરામાં પોલીસે એવું કર્યું કે ચારેતરફ થઇ રહ્યાં છે તેમનાં વખાણ : વિદેશમંત્રીએ બિરદાવ્યું આ કામ

સુરક્ષા અને સલામતીનું કવચ પૂરું પાડવા ઉપરાંત શી ટીમ આત્મ વિશ્વાસ પ્રબળ કરવા કિશોરીઓ અને યુવતીઓને સેલ્ફ ડિફેન્સ અને ઘોડેસવારીની તાલીમ અપાવે છે

Top Stories Gujarat Vadodara
વડોદરા પોલીસ

સમાજને સુરક્ષા, સલામતી અને હૂંફ આપવી એ પોલીસ તંત્રનું પાયાનું કર્તવ્ય છે. જો તેમાં સંવેદના, સંવેદનશીલતા,નિષ્ઠા અને માનવતા ઉમેરીને આ કર્તવ્યો અદા કરવામાં આવે તો પોલીસ તંત્રની છાપ સંકટ સમયના મદદગાર તરીકે વધુ પ્રબળ બને છે. બચ્ચાઓ, કિશોર કિશોરીઓ,મહિલાઓ અને વડીલોને નિર્ભય બનાવવા વડોદરા શહેર પોલીસમાં વિશેષ દસ્તાનું ગઠન કરીને એને શી ટીમ ઘોષિત કરવામાં આવી.    જાન્યુઆરી ૨૦૨૧ થી જૂન ૨૦૨૨ ના લગભગ ૧૭ મહિનાના સમયગાળામાં આ ટીમે ૧,૪૮,૭૨૩ જેટલાં લોકોને જરૂરી મદદ કરીને સંકટ સમયના મદદગાર તરીકેની છાપ દ્રઢ કરી છે. ખાસ કરીને બાગ બગીચા, જાહેર સ્થળો,શૈક્ષણિક સંસ્થાઓ નજીકની જગ્યાઓ,બસ સ્ટેન્ડ અને અવાવરૂ જગ્યાઓ પર સતત ચકોર નજર રાખીને આ ટીમે અસામાજિક તત્વો અને છેડતી કરનારાઓના મનમાં,ભૂલ સે ભી કોઈ ગલતી મત કરના..શી ટીમ આ જાયેગીની ઈચ્છનીય ધાક ઊભી કરી છે.પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘ અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારી વખતો વખત આ ટીમની કામગીરીની સમીક્ષા કરીને, બહેતર કામગીરીનું માર્ગદર્શન આપે છે.

She (તેણીની) Team એ શબ્દો જ સૂચવે છે કે આ દસ્તાનું મુખ્ય કામ મહિલાઓને સુરક્ષાનો વિશ્વાસ બંધાવવાનો છે એવી લાગણી વ્યક્ત કરતાં મદદનીશ પોલીસ કમિશનર રાધિકા ભારાઈ એ જણાવ્યું કે જો કે ટીમ મહિલાઓની સાથે નાના બચ્ચાઓ અને વડીલોના મદદગાર તરીકે વિવિધ અભિનવ પ્રોજેક્ટ્સના છત્ર હેઠળ સતત કામ કરી રહી છે.તેમાં પ્રોજેક્ટ ઉમ્મીદ,પ્રોજેક્ટ હિંમત,પ્રોજેક્ટ ખુશી,પ્રોજેક્ટ આત્મનિર્ભર,પ્રોજેક્ટ નમન આદર સાથે અપનાપન,જિંદગી હેલ્પલાઇન અને સમજ સ્પર્શનીનો સમાવેશ થાય છે.મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા વિષયક મુખ્ય મુશ્કેલીઓ સમજીને તેના નિરાકરણના આશયથી આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. વડોદરા શહેરના ૨૨ પોલીસ મથકોમાં ૨૨ શી ટીમ કામ કરી રહી છે અને તેમની ક્ષેત્રીય કામગીરીમાં ત્વરિતતાની જરૂર ધ્યાનમાં રાખીને તેમને ૨૨ ચાર ચક્રી વાહનો અને ૧૦ ઈ બાઇક્સ સહિત ૨૧ બાઈક ફાળવવામાં આવ્યાં છે.

ઉલ્લેખની છે કે ભારત સરકારના વિદેશ મંત્રી કોઈ પોલીસ એકમની મુલાકાત લે એવું અત્યાર સુધી લગભગ તો બન્યું નથી.ત્યારે તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે વડોદરા પોલીસની શી ટીમના કાઉન્સેલિંગ અને કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને એમની કામગીરી સમજી અને બિરદાવી હતી. પોલીસ ઇતિહાસમાં કદાચ આ અભૂતપૂર્વ ઘટના હતી.

પ્રોજેક્ટ હિંમત: દીકરીઓમાં આત્મ વિશ્વાસ કેળવાય તો એ ગમે તેવા જોખમનો સ્વસ્થ ચિત્તે મુકાબલો કરી શકે છે. એ હકીકતને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ હેઠળ દીકરીઓ અને યુવતીઓ ને સેલ્ફ ડિફેન્સની રીતો,ઘોડેસવારી અને રાયફલ શૂટિંગના કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે જેનાથી તેમનો આત્મ વિશ્વાસ અને જુસ્સો બુલંદ બને છે.

પ્રોજેક્ટ ખુશી: કેટલીક જરૂરિયાતો સાથે મહિલા તરીકેની સંવેદનશીલતા સંકળાયેલી હોય છે.તેને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ હેઠળ ૧૫ સ્થળોએ સેનેટરી પેડ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે.

આત્મ નિર્ભરતા પ્રોજેક્ટ: આર્થિક મજબૂરી અને પરિવારનું પાલન કરવાની જવાબદારી ક્યારેક મહિલાઓને ગેર કાયદેસર ની પ્રવૃત્તિઓ કરવાની ફરજ પાડે છે.તેને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટ હેઠળ મુખ્યત્વે દારૂના વેચાણ સાથે સંકળાયેલી ૨૨ જેટલી મહિલાઓને વ્યવસાયલક્ષી તાલીમ અને જરૂરી મદદ કરીને સન્માનભર્યા વૈકલ્પિક વ્યવસાય સાથે જોડવામાં આવી છે.

પ્રોજેક્ટ આદર સાથે અપનાપન: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં,ત્યારે તેમણે વડીલો માટે સામાજિક આદરભાવને પ્રબળ બનાવવા વડીલ વંદનાની વિભાવના આપી હતી.

શી ટીમનો પ્રોજેક્ટ નમન વડીલ વંદનાની ભાવનાને સાકાર કરે છે.આ પ્રોજેક્ટ હેઠળ એકલા રહેતા અને જરૂરિયાતમંદ વડીલોની ભાળ મેળવીને અવાર નવાર મુલાકાત લઈને હૂંફ આપવામાં આવે છે.તેની સાથે જરૂર હોય તેમને ભોજનની વ્યવસ્થા મળે,દવાઓ મળે અને એમના અટવાયેલા કામો પૂરા કરવામાં મદદ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.કોરોના લોક ડાઉનમાં આ સેવા ખુબજ માનવિયતાસભર બની હતી.

સમજ સ્પર્શની: સ્પર્શની સમજના અભાવ થી બચ્ચાઓ અને કિશોર,કિશોરીઓ શારીરિક અને માનસિક શોષણનો ભોગ બને છે.સારા કે ખરાબ સ્પર્શની સમજ કેળવાય તો સતર્કતા આવે છે અને આ સતર્કતા તેમને શોષણ થી બચાવે છે.આ પ્રોજેક્ટ હેઠળ શાળાઓ,શિક્ષણ સંસ્થાઓ અને વસાહતોમાં બચ્ચાઓ અને કિશોર કિશોરીઓ ને સારા અને ખરાબ સ્પર્શની પરખ કરવાની સમજ આપવામાં આવે છે.

પ્રોજેકટ ઉમ્મીદ :કોરોના કાળ દરમિયાન  શી ટીમ દ્વારા વિવિધ રીતે નાગરિકોની મદદ કરવા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જેને પરિણામે લોકોને ઘણી મદદ મળી હતી.

આ ઉપરાંત શી ટીમ જિંદગી હેલ્પ લાઇન અને મોબાઈલ એપ્લિકેશન ચલાવે છે જે પોલીસ ભવનમાં આવેલા કાઉન્સેલિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતેથી સંચાલિત છે.હેલ્પ લાઇન હેઠળ જરૂરિયાત વાળા લોકોને માર્ગદર્શન અને મદદ આપવામાં આવે છે.

આ પણ વાંચો : પીએસઆઇની ભરતીમાં જનરલ કેટેગરીને અન્યાયઃ પાટીદાર સમાજ