સફળતા/ વલસાડનાં યુવકે હિમાચલ પ્રદેશનાં લાહુલ વેલીમાં 6126 મીટર ઉંચો માઉન્ટ સર કરી તિરંગો લહેરાવ્યો

એક તબીબ યુવતી સહિત 4 યુવકો પર્વતારોહણ માટે નીકળ્યા હતા પણ 2 ટોચ પર પહોંચ્યા હતા.

Gujarat Others Trending
વલસાડ

વલસાડમાં છેલ્લા 15 વર્ષથી પ્રકૃતિ શિક્ષણ અને સાહસિક પ્રવૃતિઓના કાર્ય સાથે સંકળાયેલા સાહસિક યુવક પ્રિતેશ બી. પટેલ દ્વારા તા. 16 જુલાઇના રોજ સવારે 7:20 કલાકે હિમાચલ પ્રદેશના લાહુલ વેલીમાં સ્થિત માઉન્ટ યુનામનું શિખર સર કરવામાં આવ્યું હતું. કુલ 4 વ્યક્તિએ આ પર્વતારોહણ અભિયાનમાં ભાગ લીધો હતો.

કોઈ દ્રઢ સંકલ્પ કરે તો તેમના માટે કોઇપણ બાબત એવી નથી હોતી જે તે કરી શકે નહિ. પછી ભલેને હિમાલય જ કેમ સર કરવાનો હોતો નથી. વલસાડમાં એક નહિ પરંતુ ચાર ચાર વ્યક્તિઓએ આવો એક પર્વત સર કરવાનું નક્કી કર્યું અને બે લોકોએ સફલતાના શિખરો પણ સર કર્યા. વલસાડથી પ્રિતેશ પટેલ (ઉ.વ.39), વારીજ પારેખ (ઉ.વ. 28), નવસારીથી નેહાલિ પારેખ (ઉ.વ.27) અને ભરૂચથી જાગ્રત વ્યાસ (ઉ.વ.28) એ પર્વતારોહણ કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર શરુઆતમાં મનાલી ખાતે આવેલા શિખર ફ્રેન્ડશીપ પીકનું (5289 મીટર) આરોહણ કરવાનું પ્રયોજન હતું પરંતુ મનાલી ખાતે સતત વરસાદ અને ખરાબ હવામાન હોવાથી એ શિખર પર જઈ શકાય એમ ન હોવાથી હિમાચલની બીજી તરફ આવેલા લાહુલ વેલી જ્યાં હવામાન એકંદરે સારુ હોવાથી ત્યાં આવેલા માઉન્ટ યુનામ નામના શિખર (6126 મીટર) ઉપર આરોહણ કરવાનું નકકી કરવામાં આવ્યુ હતું. વિષમ પરિસ્થિતિ અને ખુબ જ ઓછા પ્રાણવાયુના પ્રમાણના કારણે આ શિખર સર કરવું કઠિન હતું, પરંતુ કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આખરે તા. 16 જુલાઈના રોજ સવારે 7:20 કલાકે તિરંગા સાથે વલસાડ નેચર ક્લબનો ઝંડો પણ લહેરાવવામાં આવ્યો હતો.

આ પર્વતારોહણનું આયોજન ટ્રેક એન્ડ રાઇડ ઇન્ડિયા તેમજ નેચર ક્લબ વલસાડના સંયુક્તપણે કરવામાં આવ્યું હતું અને જેમાં ફક્ત 4 ગુજરાતી યુવક યુવતિએ જ ભાગ લીધો હતો. જેમાંથી વારીજ પારેખ અને જાગ્રત વ્યાસ ઇજનેર છે અને 2021માં એવરેસ્ટ બેઝ કેમ્પનો ટ્રેક કરી ચુક્યા છે અને નેહાલિ પારેખ આંખના ચિકિત્સક છે. પ્રિતેશ પટેલ નેચર ક્લબ વલસાડના પ્રમુખ અને પ્રકૃતિવિદ તેમજ પર્વતારોહક પણ છે. કુલ 4માંથી પ્રિતેશ પટેલ અને જાગ્રત વ્યાસ આ શિખર સફળતા પુર્વક સર કરી શક્યા હતા. વારીજ પારેખ તેમજ નેહાલિ પારેખ તબિયત ખરાબ થવાના કારણે 18000 ફુટ પરથી પરત ફર્યા હતાં.

આ પણ વાંચો : અમદાવાદ-દાહોદ નેશનલ હાઈવે પરના વાવડી ટોલ બુથ બંધ કરવા પંચમહાલ સાંસદની રજૂઆત