રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ઠીક એક દિવસ પૂર્વે જ નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. છત્તીસગઢના કાંકેર જિલ્લાના કોયલી બેડાના અંતાગઢ ગામમાં નક્સલીઓએ 6 IED બ્લાસ્ટ કર્યાં છે. આ ઘટના બાદ સિક્યોરિટી ફોર્સે મોરચો સંભાળી લીધો છે. સુરક્ષાદળો અને નક્સલીઓએ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જયારે બીજી તરફ બીજાપુરમાં પણ સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આ અથડામણમાં એક નક્સલી ઠાર થયો છે, જ્યારે એક નક્સલી ઝડપાય ગયો છે. છેલ્લાં 10 દિવસમાં સિક્યોરિટી ફોર્સે છત્તીસગઢના બસ્તરમાંથી 300થી વધુ IED જપ્ત કર્યાં છે. તો ગત દિવસોમાં છત્તીસગઢમાં દંતેવાડાના આરનપુરમાં દુરદર્શનની ટીમ પર નક્સલીઓએ હુમલો કર્યો હતો.
અથડામણમાં BSFના ASI થયા ઘાયલ
તા. 12 નવેમ્બરના રોજ અહીં વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે. ત્યારે આજે રવિવારે સવારે નક્સલીઓએ BSF ની એક સર્ચ ટીમ પર IED વડે હુમલો કર્યો હતો. નક્સલીઓ દ્વારા એક પછી એક 6 આઈઈડી (IED) બ્લાસ્ટ કર્યાં હતા.
રવિવારે સવારે BSFની એક પેટ્રોલિંગ ટીમ કાંકેરના કોયલીબેડા વિસ્તારમાં પેટ્રોલિંગ પર નીકળી હતી. તે સમયે નકસલીઓ દ્વારા એક સાથે 6 જેટલાં IED બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં BSFના ASI મહેન્દ્ર સિંહ ઘાયલ થયાં છે. આ બ્લાસ્ટની ઘટના બાદ સિક્યોરિટી ફોર્સ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ અગાઉ તા. 27 ઓક્ટોબરના રોજ નક્સલીઓએ વીજાપુરમાં CRPFના જવાનોને નિશાન બનાવ્યાં હતા. આ હુમલામાં 4 જવાન શહીદ થયાં હતા. આ તમામ ડ્યૂટી પર હતા ત્યારે નક્સલીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો. આ ઉપરાંત 30 ઓક્ટોબરે દૂરદર્શનની ટીમ પર હુમલો થયો હતો, જેમાં દૂરદર્શનના એક કેમેરામેન સહિત 2 જવાન શહીદ થયા હતા. જયારે 2 નવેમ્બરે પણ એક બ્લાસ્ટ થયો હતો જેમાં 1 જવાન શહીદ થયા હતા.
નક્સલ પ્રભાવિત વિસ્તારમાં સોમવારે મતદાન થશે
છત્તીસગઢ વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત સોમવારે તા, 12મી નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવનાર છે. આ દિવસે તમામ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મતદાન કરવામાં આવશે. આ વિસ્તારમાં યોજાનાર ચૂંટણીનું પ્રચાર અભિયાન શનિવારે સાંજે પાંચ વાગ્યાથી બંધ થઈ ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નક્સલ પ્રભાવિત બસ્તર અને રાજનંદગાંવની 18 સીટ (બેઠકો) પર સોમવારે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના 12 વિધાનસભા ક્ષેત્રોમાંથી 15 હજાર પોલિંગ બૂથ એટલે કે, લગભગ 74 ટકા પોલીંગ બૂથ ઉપર લાલ આતંકનો ખતરો રહેલો છે. નક્સલીઓ દ્વારા હંમેશા લોકતાંત્રિક ચૂંટણીનો વિરોધ કરવામાં આવે છે અને આ જ કારણ છે કે, તેમના દ્વારા લોકોને મત આપતા અટકાવવા માટે આવા પ્રકારના હુમલાઓ કરવામાં આવે છે.