નવી દિલ્હી: ભારત સરકાર હસ્તકની હવાઈ કંપની Air India (એર ઇન્ડિયા) આવતા મહિના એટલે કે, નવેમ્બરના અંત સુધીમાં ડોમેસ્ટિક ટ્રાવેલ્સ માટે રેડ આઈ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. સામાન્યતઃ રેડ આઇ ફ્લાઇટ્સ મોડી રાતે ઉડાન ભરીને સવારે ગંતવ્ય સ્થળે પહોંચતી હોય છે. જેના અંતર્ગત પ્રથમ તબક્કામાં ત્રણ રૂટ શરુ કરવામાં આવશે. જેમાં અમદાવાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સસ્તા ભાડા પર ચાલતી આ પ્રકારની ફ્લાઇટ્સ અમેરિકા અને યુરોપમાં ઘણી લોકપ્રિય છે. ભારતમાં પણ એર ઇન્ડિયા (Air India) એ સામાન્ય ફ્લાઇટની તુલનામાં તેનાં ભાડાં ઓછાં રાખવાની યોજના બનાવી છે.
એર ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ આ ફ્લાઇટ ૩૦ નવેમ્બરથી દરરોજ દિલ્હી-ગોવા-દિલ્હી, દિલ્હી-કોઇમ્બતુર-દિલ્હી, બેંગલુરુ-અમદાવાદ-બેગલુરુના રૂટ પર શરૂ કરવામાં આવશે.
બેંગલુરુથી રાત્રે ૧૨.૩૦ કલાકે ટેક ઓફ કરીને આ ફ્લાઇટ અમદાવાદ રાત્રે ૨.૩૫ કલાકે પહોંચશે, જ્યારે અમદાવાદથી આ ફ્લાઇટ રાત્રે ૩.૦૫ મિનિટ પર ટેક ઓફ થશે અને બેંગલુરુ વહેલી સવારે ૫.૨૫ કલાકે બેંગલુરુ પહોંચશે.
આવી જ રીતે દિલ્હી-ગોવા ફ્લાઇટ રાત્રે ૧૦ વાગ્યે દિલ્હીથી ઉપડીને ૧૨.૩૫ કલાકે ગોવા પહોંચશે અને ગોવાથી રાત્રે ૧.૧૫ કલાકે ઉપડીને ફ્લાઇટ સવારે ૩.૪૦ કલાકે દિલ્હી પહોંચશે.