અમદાવાદ: કુદરતી પ્રકોપનો સામનો કરી રહેલા કેરળમાં હાલ રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે દેશ-વિદેશના લોકો આગળ આવ્યા છે. આ સંજોગોમાં ગુજરાત IAS (આઈએએસ) એસોસિએશન દ્વારા પણ તેમનો એક દિવસનો પગાર કેરળના રાહત ફંડમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત આઈએએસ એસોસિએશનના પ્રમુખ અને નાણાં સચિવ અરવિંદ અગ્રવાલ તથા એસોસિએશનના સેક્રેટરી તેમજ લેન્ડ રિફોર્મ કમિશનર હારિત શુક્લએ આ મામલે સંકલન કરીને કેરળના પૂરપીડિતોની વ્હારે આવવાનો નિર્ણય લીધો છે.
આ અગાઉ પણ ગુજરાત આઈએએસ એસોસિએશન દ્વારા રાજ્યના બનાસકાંઠાના પૂર સમયે પણ આ જ રીતે સ્તુત્ય પગલું ભરીને રૂપિયા 15 લાખ જેવી રકમ પૂરગ્રસ્તો માટે ફાળવી હતી. આ વખતે પણ આટલી જ માત્રાની રકમ ગુજરાત આઈએએસ એસોસિએશન દ્વારા કેરળના પૂરગ્રસ્તો માટે આપવામાં આવશે.
આઈએએસ એસોસિએશન ઉપરાંત આઈપીએસ અને આઈઆરએસ એસોસિએશન પણ આવું માનવતાવાદી પગલું ભરવામાં આવી શકે છે અને પૂરગ્રસ્તોને શક્ય તેટલી મદદ કરવામાં આવશે.
કેરળના લાખો લોકો જ્યારે બેઘર બન્યા છે અને હજારો-કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે ત્યારે અન્ય વર્ગના લોકોને મદદે આવવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.