- બાંગ્લાદેશે ટોસ જીતીને ફિલ્ડિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો
- ભારતનો સાવધાનીપૂર્વકનો પ્રારંભ
- ભારતે દીપક હૂડાના બદલે અક્ષર પટેલને લીધો
ICC ટી-20 વર્લ્ડ કપમાં ભારત (Team India) અને બાંગ્લાદેશ (Team Bangladesh) વચ્ચેની મેચનો પ્રારંભ થઈ ગયો છે. એડીલેડમાં રમાતી આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ફિલ્ડિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. ભારતની નબળી બોલિંગને ધ્યાનમાં રાખીને તેણે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.
ભારતે પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. દીપક હુડાને જગ્યાએ અક્ષર પટેલ પ્લેઇંગ ઇલેવનમાં પરત ફર્યો છે. બંને દેશ વચ્ચે અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ ચૂકી છે. તેમાથી દસ ભારત જીત્યું છે અને એક બાંગ્લાદેશ જીત્યું છે. ટી-20 વર્લ્ડ કપમાં બંને ટીમ અત્યાર સુધીમાં ત્રણ વખત ટકરાઈ છે અને ભારત ત્રણેય વખત જીત્યું છે.
વર્તમાન સ્થિતિ અને પરિણામની ભારત પર અસર
ભારત અત્યાર સુધીમાં ત્રણમાંથી બે મેચ જીતીને ચાર પોઇન્ટ સાથે ગ્રુપ-ટુમાં બીજા સ્થાને છે. બાંગ્લાદેશની ટીમ પણ ત્રણ મેચમાં ચાર પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશે અગાઉની મેચમાં રોમાંચક મુકાબલામાં ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. ભારતીય ટીમ સારા રનરેટના લીધે બાંગ્લાદેશથી આગળ છે.
ભારત બાંગ્લાદેશને હરાવે તો તેનો સેમી ફાઇનલ પ્રવેશ સુનિશ્ચિત થઈ જશે. તેની સાથે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. ભારત બાંગ્લાદેશ સામે હારી જશે તો ભારતનો સેમી ફાઇનલનો રસ્તો મુશ્કેલ બની જશે. તેણે ઝિમ્બાબ્વે સામે અંતિમ મેચ જીતવી જ પડશે અને તે જીત્યા પછી પણ તેના છ પોઇન્ટ થશે. આ સંજોગોમાં જો પાકિસ્તાન તેની છેલ્લી બંને મેચો જીતી લે તો તેના પણ છ પોઇન્ટ થશે. તેમા સારો રનરેટ ધરાવતી ટીમને ફાયદો થશે. આમ ભારતે સેમી ફાઇનલ પ્રવેશ સુનિશ્ચિત કરવો હોય તો આજની મેચ જીતવી જ રહી.
બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર) , અક્ષર પટેલ, રવિંચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.
બાંગ્લાદેશ: શાકિબ અલ હસન (કેપ્ટન), નઝમિલ હુસૈન શાન્તો, લિટન દાસ, અફિફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, નુરૂલ હસન (વિકેટકીપર), તસ્કીન અહેમદ, હસન મહમૂદ, શોરિફુલ ઈસ્લામ અને મુસ્તફિઝુર રહેમાન.