દિલ્હી,
ભારતીય વાયુસેનાએ અમેરિકી મેગેઝીનમાં છપાયેલા રિપોર્ટને ફગાવી દીધો છે. અમેરિકી મેગેઝીનમાં છપાયેલા રિપોર્ટમાં કહેવાયું હતું કે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને ભારત વિરુદ્વ એક પણ F-16 વિમાન ઉતાર્યું ન હતું અને એટલે જ પાકિસ્તાનના દરેક F-16 વિમાન સુરક્ષિત છે. જો કે ભારતે આજે મેગેઝિનના આ દાવાને ફગાવી દીધો છે.
ભારતીય વાયુસેનાએ આજે તેના અધિકૃત નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના પાસે પાકિસ્તાન દ્વારા ઉપયોગ કરાયેલા F-16 લડાકુ વિમાનના વિશ્વનીય પુરાવા ઉપરાંત ભારતની જવાબી કાર્યવાહીમાં મિગ-21થી F-16 વિમાનને નષ્ટ કર્યા હોવાના પણ પર્યાપ્ત પુરાવા ઉપલબ્ધ છે.
ભારતીય વાયુસેનાના દાવા મુજબ પાકિસ્તાને ભારત વિરુદ્વ અત્યારસુધી અનેક આમરામ મિસાઇલનો ઉપયોગ કર્યો છે. જેની જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને મિગ-21 લડાકુ વિમાનથી પાકિસ્તાનના F-16 વિમાનને નષ્ટ કર્યું છે. આ વાતની પુષ્ટિ રડાર ઇમેજ દ્વારા કરી શકાય છે. પાકિસ્તાનના લડાકુ વિમાન F-16 ના ટૂકડા એલઓસી અને POK માં પડ્યા હતા. તેની જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન નુકસાનગ્રસ્ત થયું હતું. જો કે કમાંડર અભિનંદને સમય સુચક્તાથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સીટ ઇજેક્ટ કરતા સુરક્ષીત રહ્યો હતો જેને બાદમાં પાકિસ્તાને તેના કબ્જામાં લીધો હતો.
ભારતીય વાયુસેનાએ એક નિવેદન જારી કરીને 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટ સ્થિત જૈશ-એ-મૌહમ્મદના આતંકી અડ્ડા પર કરાયેલા હવાઇ હુમલાની માહિતી અપાઇ હતી. ભારતને જૈશના આતંકી ઠેકાણાઓ વિશે ગુપ્તચર એજન્સી દ્વારા માહિતી મળી હતી.
એરફોર્સના દાવા મુજબ પાકિસ્તાન એરફોર્સે ભારતીય સેનાના ઠેકાણોએ નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પાકિસ્તાનના આ પ્રયાસોને ભારતે અસફળ બનાવ્યા હતા. પાકિસ્તાનની વાયુસેનાએ ભારતીય સૈન્યના અનેક ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો જો કે તેનાથી ભારતીય સેનાના ઠેકાણાઓને કોઇ નુકસાન થયું નથી.
અગાઉ ભારતીય વાયુસેના, જળસેના અને નૌસેનાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરીને F-16 નષ્ટ કર્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. સેનાએ કહ્યું હતું કે ભારતની સીમામાં પાકિસ્તાનનું F-16 ઘુસ્યું હતું. સેનાએ F-16 માં લગાડવામાં આવતી મિસાઇલના ટૂકડા પણ મીડિયામાં દર્શાવ્યા હતા.