અમદાવાદ: મરાઠા અનામત મામલે મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લામાં એક સત્તર વર્ષની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કર્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ વિધાર્થિનીએ પોતાની સ્યુસાઈડ નોટમાં મરાઠાઓને અનામત આપવા માટેની માંગણી કરી હતી.
જિલ્લા પોલીસ વડા રંજન કુમાર શર્માએ મીડિયાને જણાવ્યુ હતું કે, મૃતક કિશોરી બાબાન કાકડે નામની વિધાર્થિની ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી હતી. આ વિધાર્થિનીએ હોસ્ટેલનાં રૂમની છતનાં પંખા સાથે લટકી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
મૃતક કિશોરીએ આત્મહત્યા કરતા અગાઉ એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણીએ લખ્યુ હતું કે, મરાઠાઓને અનામત મળે એટલા માટે હું આત્મહત્યા કરી રહી છું. તેણીએ એમ પણ લખ્યુ છે કે, તેને દસમા (10)માં ધોરણમાં 89 ટકા આવ્યા હતા. આટલા સારા ટકા હોવા છતાં પણ તેને ધોરણ અગિયાર સાયન્સમાં તેને પ્રવેશ મળી શક્યો ન હતો.
સ્યુસાઇડ નોટમાં લખ્યુ કે, હું આશા રાખુ છું કે મારી આત્મહત્યા પછી મરાઠાઓને અનામત મળે
મૃતક કિશોરીના વ્યવસાયે પિતા ખેડૂત છે અને તેના ભણતર માટે તેમણે 8000 રૂપિયાની ફી ભરી હતી. તેનો પરિવાર ગરીબ હતો. વિદ્યાર્થિનીની આ ફી તેમના માટે બોજ સમાન હતી.
વિદ્યાર્થિનીએ સ્યુસાઈડ નોટમાં એવું પણ ટાંક્યું હતું કે, અનામત વર્ગમાં આવતી વિદ્યાર્થિનીઓને સરકારની ગ્રાન્ટ મળતી શાળાઓમાં 76 ટકાએ પણ પ્રવેશ મળ્યો હતો, પણ તે અનામત વર્ગમાં ન આવતી હોવાથી તેને આ શાળાઓમાં પ્રવેશ મળ્યો ન હતો.
પોલીસે વિદ્યાર્થિનીની સ્યુસાઇડ નોટને ટાંકીને જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તે પોતે મરાઠા હોવાથી તેની સાથે ભેદભાવ રાખવામાં આવતો હતો. મરાઠાને શિક્ષણમાં અનામત મળતી નથી.
તેણીએ એવી આશા રાખી હતી કે, તેની આત્મહત્યાથી મરાઠાઓ માટે અનામતનાં આંદોલનને વેગ મળશે. અનામત માટે વિદ્યાર્થિનીએ કરેલી આત્મહત્યા પછી વિવિધ મરાઠા સંગઠનોએ મહારાષ્ટ્રની રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી.
છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં મરાઠાઓ દ્વારા અનામત મળે એ માટે આંદોલન ચાલી રહ્યુ છે. જયારે બીજી તરફ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે એ માટે હાર્દિક પટેલ દ્વારા ત્રણ વર્ષથી આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે. દેશભરમાં વિવિધ રાજ્યોમાં વિવિધ જ્ઞાતિઓ દ્વારા તેમને અનામત મળે એ માટે આંદોલનો ચાલી રહ્યા છે.