કન્નુરની રહેવાસી બે ૩૦ વર્ષીય મહિલાએ આજે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વિરોધીઓ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
બુધવારે રેશમા અને સનીલા નામની બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો.
આશરે ૫ કિમીની યાત્રા કર્યા બાદ તે લોકો મંદિરની ચોટી સુધી પહોચી ગયા હતા પરંતુ ગુસ્સે ભરાયેલા ભક્તોની ભીડે તેમને રોકી દીધા હતા. બે મહિલાઓએ તેમની યાત્રા સવારે ૫ વાગ્યે શરુ કરી હતી.
બંને મહિલાના કહેવા પ્રમાણે તેઓ દર્શન માટે એટલા માટે આવ્યાહતા કેમકે પોલીસે તેમને સુરક્ષા માટેની ખાતરી આપી હતી. જો કે પરિસ્થિતિ બેકાબુ બની જતા બંને મહિલાએ દર્શન કર્યા વિના જ પરત આવવું યોગ્ય સમજ્યું.
સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો.
મંગળવારે રાત્રે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા. ૪૨ વર્ષીય બિંદુ અને ૪૪ વર્ષીય કનકદુર્ગાએ મદિરમાં પ્રવેશ કર્યો હતો.
બે મહિલાઓના પ્રવેશની સાથે જ વર્ષો જૂની મંદિરની પરંપરા તૂટી ગઈ છે જેમાં મહિલાઓને આવતા પીરીયડસને લીધે ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.
આ બે મહિલાઓના મંદિરમાં પ્રવેશ કરવાને લીધે મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે મંદિરની શુદ્ધિકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક મહિલાના પ્રવેશને મંજુરી આપી દીધી હતી.