દિલ્હી,
લોકસભાની ચૂંટણીના આડે હવે ત્રણ-ચાર મહિનાનો જ સમય બાકી છે ત્યારે કોંગ્રેસે તેનું માસ્ટર કાર્ડ કાઢ્યું છે. લાંબા સમયની અટકળો પછી પ્રિયંકા ગાંધી વાડ્રા રાજકારણમાં અધિકૃત રીતે પ્રવેશ કરી રહ્યાં છે. કોંગ્રેસના પ્રેસીડન્ટ રાહુલ ગાંધીએ તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસના ઉત્તરપ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે નિમણુંક કરી છે.પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના પુર્વ વિસ્તારના ઇનચાર્જ બનાવવામાં આવ્યા છે.કોંગ્રેસે ઉત્તરપ્રદેશના પશ્ચિમ વિસ્તારના જનરલ સેક્રેટરી તરીકે જ્યોતિરાદિત્ય સિંધીયાની નિમણુંક કરી છે.
કોંગ્રેસની અખબારી યાદીમાં પ્રિયંકા ગાંધી અને બીજા હોદ્દેદારોની નિમણુંક કરી હોવાનું જણાવ્યું છે.કોંગ્રેસે ઉત્તરપ્રદેશના ઇનચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહેલાં ગુલામનબી આઝાદને હવે હરિયાણાની જવાબદારી સોંપી છે.
47 વર્ષના પ્રિયંકા ગાંધી વાડ્રા આમતો લાંબા સમયથી ઉત્તરપ્રદેશના રાયબરેલી અને અમેઠીની લોકસભાની સીટ પર પોતાની માતા સોનિયા ગાંધી અને તેમના ભાઇ રાહુલ ગાંધી માટે પ્રચાર કરતાં હતા.
ઉત્તરપ્રદેશમાં કુલ લોકસભાની 80 સીટો છે અને આ સીટો પર અહીંના બે મહારથીઓ સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષે 38-38 સીટો પર ગઠબંધન કર્યું છે.સપા અને બસપાએ આ ગઠબંધનમાંથી કોંગ્રેસને દુર રાખ્યું હતું.