ભારતે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આતંકવાદના મુદ્દે ચીનના બેવડા ધોરણનો પર્દાફાશ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદરને ધ્યાનમાં રાખીને એકપક્ષીય કાર્યવાહી જેવા મુદ્દાઓ પર ચીનને નિશાન બનાવ્યું. તેમણે કહ્યું કે કોઈપણ બળજબરી અથવા એકપક્ષીય કાર્યવાહી યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કરે છે અને તે સામાન્ય સુરક્ષાનું અપમાન છે. આ સિવાય તેમણે કહ્યું કે સામાન્ય સુરક્ષા ત્યારે જ શક્ય છે જ્યારે દેશો એકબીજાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરે.
ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે ચીન 2020ની શરૂઆતથી LAC પર તેનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ચીન વારંવાર LAC પાસે સરહદ પર પોતાના સૈનિકોને એકઠા કરી રહ્યું છે. આ મડાગાંઠે દ્વિપક્ષીય સંબંધોને સૌથી નીચા સ્તરે પહોંચાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વી લદ્દાખમાં ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે લાંબા સમયથી અથડામણ ચાલી રહી છે. પેંગોંગ લેક વિસ્તારોમાં હિંસક અથડામણને પગલે 5 મે, 2020 ના રોજ સર્જાયેલી મડાગાંઠને ઉકેલવા માટે બંને પક્ષોએ અત્યાર સુધીમાં કોર્પ્સ કમાન્ડર-સ્તરની વાટાઘાટોના 16 રાઉન્ડ યોજ્યા છે. કંબોજે કહ્યું, “સામાન્ય સુરક્ષા પણ ત્યારે જ શક્ય છે જ્યારે તમામ દેશો આતંકવાદ સામે એકસાથે ઉભા હોય અને તેમાં કોઈ બેવડા ધોરણો ન હોય.”
ભારત-ચીન સંબંધો પર એક પ્રશ્નના જવાબમાં, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે ચીને ભારત સાથેના સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેનાથી દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી રહી છે. તેમણે કહ્યું કે કાયમી સંબંધો એકતરફી ન હોઈ શકે અને પરસ્પર સન્માન હોવું જોઈએ. ભારત અને ચીન વચ્ચે 1990ના દાયકાથી કરાર થયા છે. તેમણે કહ્યું, ‘ચીને તેની અવગણના કરી છે. તમે જાણો છો કે થોડા વર્ષો પહેલા ગલવાન ખીણમાં શું થયું હતું. તે સમસ્યા હલ થઈ નથી અને તે સ્પષ્ટપણે અસર કરી રહી છે.