મુંબઈની HDFC બેન્કના વાઈસ પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવી રહસ્યમય રીતે ગૂમ થઈ જતાં ભારે દોડધામ મચી જવા પામી છે અને મુંબઈ પોલીસ ધંધે લાગી છે.
એચડીએફસી બેન્કમાં લાંબા સમયથી ઉપપ્રમુખ તરીકે કામ કરતા સિદ્ધાર્થ સંઘવી બુધવારથી અચાનક ગાયબ થઈ ગયા છે. સંઘવીના ગૂમ થયા પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને તેમની કાર બિનવારસી હાલતમાં મળી છે. જે અંગે પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસને એવું જાણવા મળ્યું છે કે, છેલ્લે બુધવારે સાંજે 7.30 વાગે કમલા મિલ કમ્પાઉન્ડ પાસેથી કારમાં જતાં જોવા મળ્યા હતા. આ પછીથી તેઓ ગાયબ થઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એચડીએફસીના વાઈસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવી તેમના પત્ની અને એક પુત્ર સાથે મલબાર હિલ્સમાં રહે છે. સંઘવીની શોધખોળ દરમિયાન પોલીસને નવી મુંબઈ ખાતેથી સંઘવીની કાર બિનવારસી હાલતમાં મળી આવી છે.
આ લાવારિસ કારમાં લોહીના ડાઘા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે પોલીસ દ્વારા સંઘવીની આ લાવારિસ કાર અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ સંઘવી બુધવારે સવારે 8.30 વાગે જ તેમના ઘરેથી ઓફિસ જવા માટે નીકળી ગયા હતા અને ત્યારબાદ તેઓ ન તો ઓફિસે પહોંચ્યા છે ન તો તેમના ઘરે આજ દિન સુધી પાછા ફર્યા નથી.
જો કે, એચડીએફસી બેંકના વાઈસ પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવીનું અપહરણ થયું છે કે કેમ? તે અંગે મુંબઈ પોલીસને હજુ સુધી કોઈ સગડ કે સંકેત મળ્યા નથી.