ભારત અને ચીન વચ્ચે સરહદ પર ભારે તણાવ જોવા મળી રહ્યું છે,ઉચ્ચ આર્મી કમાન્ડર ચીના સેના અધિકારી સાથે વાતચીત કરી રહ્યા છે પરતું વાતચીતમાં સીમા વિવાદ ખતમ થયો નથી,ત્યારે દેશના સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું છે કે છેલ્લા 18 મહિનામાં ભારતની સૈન્ય શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારે આર્મી ચીફે કહ્યું કે ભારતે લદ્દાખમાં સરહદ નજીક પોતાની સ્થિતિને નોંધપાત્ર રીતે મજબૂત કરી છે. તેમણે ખાતરી આપી હતી કે ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારત વિજયી બનીને પરત ફરશે. વાર્ષિક આર્મી ડેના અવસર પર એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, આર્મી ચીફે સ્પષ્ટ કર્યું કે યુદ્ધ એ છેલ્લો વિકલ્પ છે અને સરહદ વિવાદના ઉકેલ માટે ચીન સાથે વાતચીત ચાલી રહી છે. આર્મી ચીફે કહ્યું કે જ્યાં સુધી ઉત્તરી મોરચાની વાત છે, ત્યાં છેલ્લા 18 મહિનામાં અમારી સૈન્ય તાકાત ઘણી વધી ગઈ છે. તેમણે કહ્યું, ‘યુદ્ધ એ છેલ્લો ઉપાય છે, પરંતુ જો યુદ્ધ થશે તો આપણે વિજયી થઈને પાછા આવીશું.’
આર્મી ચીફે મીડિયાને ઉત્તર અને પશ્ચિમી સરહદો પર પ્રવર્તમાન સ્થિતિ વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ સરહદ પર યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસોનો જોરદાર જવાબ આપ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુદ્ધની સ્થિતિ એ છેલ્લો ઉપાય છે. “અમે આ વિસ્તારમાં 25,000 વધારાના દળો તૈનાત કર્યા છે. અમે રોડ બનાવી રહ્યા છીએ. પૂલ અને ટનલ પણ બનાવવામાં આવી રહ્યા છે. અમે ત્યાં ઈંધણ, તેલ અને દારૂગોળો રાખવાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં અન્ય સુવિધાઓ પણ ત્યાં ગોઠવવામાં આવશે. છેલ્લા વર્ષમાં ઘણું કામ કરવામાં આવ્યું છે.આર્મી ચીફે કહ્યું કે અમે જે કર્યું છે તેના કારણે અમે ત્યાં સારી સ્થિતિમાં છીએ.
આર્મી ચીફે કહ્યું, “અમે માત્ર એક બાજુ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી, પરંતુ અમે સમગ્ર ઉત્તરી મોરચા પર સંપૂર્ણ દૃષ્ટિકોણ રાખી રહ્યા છીએ. તે માત્ર સશસ્ત્ર દળોની સંખ્યામાં વધારો કરવા વિશે જ નહીં પરંતુ શસ્ત્રોની સંખ્યામાં વધારો કરવા વિશે પણ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો પણ મામલો છે.
ભારત અને ચીનની સરહદ પર શાંતિ અને વ્યવસ્થા જાળવવા અંગે આર્મી ચીફે કહ્યું કે આ સારી વાત છે કે વાતચીત ચાલી રહી છે. “અમે વાતચીત દ્વારા આનો ઉકેલ લાવી શકીએ છીએ અને તે ખૂબ જ મહત્વપૂર્ણ પદ્ધતિ છે,” તેમણે કહ્યું. એકબીજાના દૃષ્ટિકોણને સમજવા માટે, અમારી વાતચીત ચાલુ રહે તે જરૂરી છે. જ્યારે પણ આપણે વાત કરીએ છીએ ત્યારે આપણું અંતર થોડું ઓછું થઈ જાય છે. પરંતુ દરેક વાતચીતમાં કોઈ પરિણામની અપેક્ષા રાખવી બિનજરૂરી છે.