ભારતીય દૂતાવાસે યુક્રેનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોએ જલદી યુક્રેન છોડી દેવું જોઈએ. યુક્રેનના કિવમાં ભારતીય દૂતાવાસે કહ્યું છે કે બગડતી સુરક્ષા સ્થિતિ અને સમગ્ર યુક્રેનમાં તાજેતરમાં વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને યુક્રેનની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. અહીં હાજર વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને વહેલામાં વહેલી તકે યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવી છે.
અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પાસેથી છીનવાયેલા 4 વિસ્તારોમાં માર્શલ લૉ લાગુ કર્યો હતો. ડોનેટ્સક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસનમાં માર્શલ લૉ લાગુ કરવામાં આવ્યો હતો.પુતિનના આદેશથી પશ્ચિમી દેશોમાં ગભરાટ ફેલાયો છે તેમજ મોટી કાર્યવાહીનો ડર છે.
યુક્રેનના ગામો, નગરો અને બે શહેરોના ભાગો વીજળી વિના અંધકારમાં ડૂબી ગયા હતા કારણ કે રશિયાના સતત મિસાઇલ હુમલાઓ અને તોપમારો ચાલુ રહ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુક્રેનિયનોને વિનંતી કરી કે તેઓ ગઈકાલે રાત્રે થયેલા હુમલા પહેલા દેશના ઉર્જા સ્થાપનોને બચાવવાનો પ્રયાસ કરે. એનર્હોદરના મેયર દિમિત્રો ઓર્લોવે જણાવ્યું હતું કે શેલિંગમાં શહેરના પાવર અને વોટર સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. દક્ષિણ શહેર ઝપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પાવર પ્લાન્ટની નજીક સ્થિત છે, જે લગભગ આઠ મહિનાથી ચાલી રહેલા હુમલાઓનું મુખ્ય લક્ષ્ય છે.