ભારતના સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે આપેલા નિવેદન પછી પાકિસ્તાન ભડકી ગયું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે કહ્યુ હતુ કે, ભારતીય સેનાના પ્રમુખ તરફથી આપવામાં આવેલ નિવેદન ગેરજવાબદારી ભર્યુ છે. જો તેઓ પરમાણુ ટક્કર કરવા માંગતા હોય તો અમારી તાકતની પરીક્ષા કરવા માટે અમે તેમનું સ્વાગત કરીએ છીએ. આથી જનરલના મનની આંશકાઓ બહુ જલ્દી જ દુર થઈ જશે. પાકિસ્તાનના વિદેશમંત્રીના નિવેદનને સાથ આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, ભારતીય સેના પ્રમુખ તરફથી આવેલી ધમકી ભારતના નવા વિચારો જણાવે છે. કોઇ પણ પ્રકારનું દુઃસાહસ કરવાનો પ્રયત્ન કર્યો તો પાકિસ્તાન પોતાની રક્ષા કરવા સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે, આર્મી ચીફે 2017માં કરેલી સેનાની કામગીરી વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમારુ ધ્યાન દક્ષિણ કશ્મીર પર હતું, હવે અમારૂ ઘ્યાન ઉત્તર કશ્મીરમાં બારામૂલા, હંદવાડા, કુપવાડા, સોપોર અને લોલાબના કેટલાક વિસ્તારમાં રહેશે. જેથી આ વિસ્તારમાંથી થતી ઘુસણખોરી અટકાવી શકાય. આ ઉપરાંત ચીન સામે પણ આપણે બરાબરની ટક્કર લઇ રહ્યા છીએ. તેમને પણ આગળ વધતા અટકાવવામાં ભારત સફળ રહ્યું છે. આ વાતથી પાકિસ્તાનના પેટમાં જાણે તેલ રેડાયું હોય તે રીતે નિવેદન આપવામાં આવ્યું હતું.