ચીનમાં અકસ્માતનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.અહી એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે ઝઘડો કર્યા બાદ પોતાના મગજનું સંતુલન ખોઈ દીધું હતું અને સ્કુલના બાળકો પર ગાડી ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં ૫ બાળકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા જયારે ૧૬ બાળકો સહિત ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
શુક્રવારે આ સમાચાર સ્થાનિક પોલીસે આપ્યા હતા.
ઘાયલ થયેલા લોકોમાં બે શિક્ષક અને ૧ રસ્તા પર ચાલતો વ્યક્તિ પણ શામેલ છે. ઘાયલ થયેલા ૧૯ લોકોમાં ત્રણની હાલત અત્યંત ગંભીર છે.આરોપી લિયોનીંગ શહેરનો રહેવાસી છે.
આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેની પત્ની સાથે થયેલા ઝઘડામાં તે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. પરંતુ આરોપીએ અચાનક તેની ગાડી સ્કુલના બાળકો પર ચઢાવી દીધી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે હુલુદાઓ શહેરમાં કાર ચલાવી રહેલા આરોપીએ અચાનક રસ્તો ક્રોસ કરી રહેલા સ્કુલના બાળકોને પોતાનો નિશાનો બનાવ્યો હતો.
ચીનની સ્થાનિક મીડિયા અનુસાર આ અકસ્માત એક પ્રાથમિક સ્કુલની નજીક થયો હતો.
તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં પણ એક ચપ્પુ ધારીએ માધ્યમિક વિદ્યાલયના નવ બાળકોની હત્યા કરી દીધી હતી.આરોપીને તેના સ્કુલના દિવસોમાં ઘણો હેરાન કરવામાં આવતો હતો જેને લીધે તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું બાદમાં તેને મોતની સજા મળી હતી.
ચીનમાં હાલ હિંસક વૃત્તિઓ ઘણી વધી ગઈ છે. રીપોર્ટ પ્રમાણે આવી ઘટના લોકોમાં ચાલી રહેલા માનસિક વિકારને લીધે થાય છે.