લંડન,
બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે એ 1919 ના જલિયાવાલા બાગ હત્યાકાંડ પર ખેદ વ્યક્ત કર્યો છે. થેરેસાએ બુધવારે સંસદની સામે કહ્યું કે, તેઓને આ ઘટના અને તેનાથી પેદા થયેલા કષ્ટો પર શોક છે. જો કે, આ દરમિયાન તેઓએ એકવાર પણ માફી નથી માંગી. જેના સામે સંસદમાં વિપક્ષના નેતા જેરેમી કોર્બિને થેરેસાને સ્પષ્ટ અને વિસ્તૃત માફી માગવાનું કહ્યું.
2010થી 2016 સુધી બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરૂને પણ 2013માં ભારતની મુલાકાત દરમિયાન તેને ઇતિહાસની સૌથી શરમજનક ઘટના ગણાવી હતી. જો કે, તેઓએ પણ સ્પષ્ટ રીતે માફી નહોતી માંગી. આ શનિવારે જલિયાવાલા બાગ હત્યાકાંડની 100મી જયંતિ છે.
પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરીને માફીની માંગ કરાઇ હતી
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ હત્યાકાંડ માટે જવાબદાર બ્રિટિશ સરકાર પાસે માફી મંગાવવા માટે પંજાબ સરકારે વિધાનસભામાં સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવ દ્વારા કેન્દ્ર સરકાર પર દબાણ કરાયું હતું કે તેઓ બ્રિટિશ સરકાર પર આ મામલે માફી માંગવાનું દબાણ કરે.
નરસંહારમાં એક હજારથી વધુના થયા હતા મોત
અમૃતસરમાં 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા હત્યાકાંડમાં બ્રિટિશ સૈનિકોએ ખુલ્લેઆમ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યુ હતું. રેકોર્ડ્સ અનુસાર, આ નરસંહારમાં 400થી વધુ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. જો કે, ભારતીય અધિકારીઓનો દાવો છે કે, તેમાં 1000થી વધુ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં બાળકો અને સ્ત્રીઓ પણ સામેલ હતી.