દિલ્હી સરકારે દરેક નિર્ણયોની ફાઈલ ઉપરાજ્યપાલને મોકલવી પડશે તેવી જોગવાઈવાળા ખરડાને સંસદની બહાલી બાદ સર્જાતા એક નહી અનેક સવાલો
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
અંતે કેન્દ્ર સરકારે લોકસભાની જેમ રાજ્યસભામાં પણ દિલ્હી સરકારની સત્તામાં કાપ મૂકતો ખરડો પસાર કરાવી દીધો છે. દિલ્હીના નવા ધારા તરીકે જાણીતા આ ખરડાની જોગવાઈ પ્રમાણે દિલ્હીની રાજ્ય સરકાર દ્વારા લેવાતા દરેક નિર્ણયની જાણ ત્યાંના ઉપરાજ્યપાલને કરવી પડશે. દરેક ફાઈલ તેમને મોકલવી પડસે અને તેમની બહાલી બાદ તેનો અમલ થઈ શકશે. આનો સીધોસાદો અર્થ એ થાય કે દિલ્હીની ચૂંટાયેલી સરકારને કોઈપણ કામ કરવા માટે ઉપરાજ્યપાલની મહેરબાની પર નભવું પડશે. તેના પર આધાર રાખવો પડશે. બીજા અને બંધારણીય અર્થમાં કહો તો ઉપરાજ્યપાલની સત્તા વધી છે અને ચૂંટાયેલી સરકારની સત્તા ઘટી છે. દિલ્હીની રચના થઈ ત્યારથી તે પૂર્ણ કક્ષાનું રાજ્ય નથી. વિધાનસભા છે. ત્રણ નગરનિગમો પણ છે. પરંતુ તેને પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જો હજી સુધી મળ્યો નથી કે ૨૦૧૪ પહેલાની કોંગ્રેસ સરકાર કે ૨૦૧૪ પછીની ભાજપ સરકારે તેને આ દરજ્જો આપ્યો નથી. ૨૦૧૪માં લોકસભામાં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ એન.ડી.એ. (ભાજપ)ની સરકાર રચાયા બાદ ૨૦૧૫માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે એવી ખાતરી અપાઈ હતી કે ભાજપ દિલ્હીમાં જીતશે એટલે તરત પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જો આપશે પરંતુ આવું બન્યું નથી તેનું કારણ એ પણ હોઈ શકે કે ત્યાં ભાજપને કારમી રીતે હરાવી અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરીને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર સત્તા પર આવી છે. કોઈપણ દેશની રાજદાની બંધારણની જોગવાઈ પ્રમાણે પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જો ન ધરાવતી હોય તેવો કદાચ ભારત પ્રથમ જ દેશ હશે તેમ દાવા સાથે કહી શકાય તેમ છે. તેવી ટીકા વિપક્ષ કે કોઈ રાજકીય વિશ્લેષક કહે તો તેને જરાય વિચિત્ર કહી શકાય નહિ.
બુધવારે આ અંગેનો ખરડો રાજ્યસભામાં પસાર થયો. આ પહેલા લોકસભાએ તેને બહાલી આપી હતી. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, એન.સી.પી., ડાબેરીઓ સહિતના વિપક્ષોએ તેનો વિરોધ કર્યો. કેન્દ્ર સરકારને અવારનવાર ટેકો આપનારા ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકના પક્ષ બીજેડીએ પણ વિરોધ કર્યો. એનડીએના વર્ષો જૂના પૂર્વ સાથીદાર શીવસેના અને કૃષિકાયદાના મુદ્દે એનડીએથી અલગ પડેલા અકાલી દળે પણ આનો વિરોધ કર્યો. કેન્દ્ર સરકારની કાયમી ટેકેદાર મનાતી વાય.એસ.આર. કોંગ્રેસના સાંસદોએ પણ આ દરખાસ્ત પ્રવર સમિતિને સોંપવા માંગણી કરી. બિહારમાં મહા ગઠબંધનના ઘટક એવા લાલુપ્રસાદ યાદવના પક્ષ બીજેડીએ પણ આનો વિરોધ કર્યો. ટૂંકમાં સત્તાધારી પક્ષના ટેકેદાર સભ્યોએ વિરોધ કર્યો છતાં ધ્વનિ મતથી આ ખરડો પસાર થયો. તેમાં કૃષિ કાયદાના ઈતિહાસનું જ ફરીવાર પુનરાવર્તન થયું તેવું દાવા સાથે કહી શકાય તેમ છે.
આંતકી હુમલો / ભાજપ પ્રદેશ સચિવ અને BDC અધ્યક્ષ પર હુમલો, હુમલામાં એક PSO શહીદ, એક નાગરિકનું મોત
આ કોઈ જેવી તેવી વાત તો નથી જ. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજયસિંહે આ ખરડાને લોકશાહીના ચીરહરણ સમાન ગણાવ્યો તો અન્ય પક્ષોના સાંસદોએ આ ખરડાને રાજ્યોના બંધારણિય અધિકારો પર તરાપ સમાન ગણાવ્યો. આ ખરડાના અમલથી દિલ્હીની કેજરીવાલ સરકારની પાંખો કપાઈ જવાની છે તેવી સ્પષ્ટ વાત વિપક્ષી નેતાઓએ કરી છે. આમ છતાં ભાજપ જેડીયુ સહિતના સાથીઓને અંતરાત્માના અવાજ મુજબ મતદાન કરવાની ‘આપ’ની અપીલ છતાં અંતરાત્માનો અવાજ સાંભળવાને બદલે શાસક ગઠબંધનના સાંસદોએ પક્ષની શાસ્ત મુજબ મતદાન કર્યું છે. આ ખરડો બંધારણીય કે ગેરબંધારણીય તેવી વાતનો ખ્યાલ રાખ્યા વગર મતદાન કર્યું છે. આ વાતની નોંધ તો લીધા વગર ચાલે તેવું નથી જ.
મોરવાહડફ / વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
આ ખરડા પરની ચર્ચાનો જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી જી. કૃષ્ણા રેડ્ડીએ કહ્યું કે આ ખરડાથી દિલ્હીના અધિકાર ઘટવાના નથી. તેના કોઈ અધિકાર છીનવી લેવાયા નથી. દિલ્હી પૂર્ણ કક્ષાનું રાજ્ય નથી અને બંધારણની જોગવાઈ પ્રમાણે અને આ દરજ્જામાં આવતા રાજ્યને બંધારણીય જોગવાઈ પ્રમાણે જે અધિકાર હોય તે તો યથાવત રહેવાના જ છે. આમાંના એકપણ અધિકારને આંચકી લેવાયા નથી તે પણ એક વાસ્તવિકતા છે.
આમ આદમી પાર્ટીની સંયોજક અને દિલ્હીમાં મુખ્યમંત્રી પદે સતત ત્રણ વખતથી ચૂંટાનાર અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની ચૂંટાયેલી સરકાર કરતા ઉપરાજ્યપાલને વધુ સત્તા આપતા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રશાસ્ત્ર સંશોધક બીલ પસાર થતા લોકશાહી માટે દુઃખદ દિવસ છે. અમે જનતાની તાકાત વધારવા જે પગલાં ભર્યા છે તે ભરશું. અમારા લોકહિતના કામો અટકવાના નથી અને ધીમા પણ નહિ પડે. દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ કહ્યું છે કે અમને આ લોકોના હિત માટે લોકોનું સારૂ કામ કરતા રોકવાનો અને કહેવાતી બહુમતીના જોરે પસાર કરાયેલો ખરડો દિલ્હીના વિકાસને રોકવાનો પ્રયાસ છે પરંતુ કેન્દ્ર શાસક પક્ષનો આ ઈરાદો સફળ નહી થાય.
દિલ્હીના અખબારોએ પણ આ બાબતની નોંધ લેતા લખ્યું છે કે દિલ્હીની સરકારની કામગીરીથી અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા વધી છે અને દિલ્હી મોડેલના આધારે કેજરીવાલના પક્ષે અન્ય રાજ્યોમાં પણ પગેપેસારો કર્યો છે. તેથી તેની સત્તાની પાંખો કાપવા માટે આ પગલું ભરાયુ છે. દિલ્હીને પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જાે આપવાની વાતને અભેરાઈએ ચડાવી ચૂંટાયેલી સરકારની સત્તા છીનવી લેવી તેને કોઈપણ રીતે લોકશાહી બંધારણીય પગલું તો ન જ કહેવાય પરંતુ રાષ્ટ્રીય રાજધાનીની સરકાર જે લોકહિતના કામો કરે છે અને મજબૂત જનાધાર ધરાવે છે તેને રોકવાની કોઈપણ ચેષ્ટાને રાષ્ટ્રહિતની વાત પણ કહી શકાય નહી.
જો કે શાસક પક્ષના નેતાઓ એવો બચાવ કરે છે કે આ પગલું બંધારણીય છે તેનાથી કોઈની પણ સત્તા છીનવાઈ જવાની નથી પરંતુ વગર સત્તાએ ભૂતકાળના ઉપરાજ્યપાલોએ ચૂંટાયેલી દિલ્હી સરકારની પાંખો કાપવા પ્રયાસ કર્યો છે તેવા બનાવો જાેતા આવા બનાવોનું પુનરાવર્તન થવાની શક્યતાઓ નકારી શકાય નહિ તે પણ હકિકત છે.