રાજકોટ,
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી ઠેર-ઠેર આવકવેરા વિભાગ દ્વારા દારોડાનો દોર ચાલી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટમાં પણ પ્રખ્યાત બિલ્ડરો અને ઉધોગકારોને ત્યાં આઇટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જેમાં શહેરના મોટા ઉધોગપતિ ડેકોરા બિલ્ડરવાળા જમનભાઈ પટેલ સહિત તેમના ભાગીદાર અને યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપ રાઠોડ તેમજ ધીરુભાઈ રોકડ અને તેના પુત્ર ચેતનને ત્યાં દારોડાનો દોર શરૂ કરાયો છે. જેમાં મોટી રકમનું ડિક્લોઝર સામે આવવાની શક્યતાઓ જણાઈ રહી છે.
આ ઉપરાંત ગોપાલ ચુડાસમા અને અગ્રણી ઉદ્યોગપતિ છગનભાઈ પટેલના ઘરે પણ આવકવેરા વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ રીઅલ એસ્ટેટમાં મંદીનો દોર ચાલી રહ્યો છે.
ત્યારે અનેક મોટી ઇમારતો બનાવનાર ડેકોરા બિલ્ડર સહિતના અગ્રણીઓ પર દારોડાનો દોર શરૂ કરવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. જો કે આ અગ્રણીઓ પાસેથી મોટી માત્રામાં બેનામી રોકડ તેમજ મિલકત મળવાની સંભાવના હોવાનું આવકવેરા વિભાગના સુત્રો જણાવી રહ્યા છે.