1.ગૌચરની જમીન નીમ કરાતી નથી
વિધાનસભા ગૃહની પ્રથમ બેઠકમાં વિભાગોની માગણીઓ પરની ચર્ચા માં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું કે સરકાર ઔદ્યોગિક હેતુ માટે જેટલી જમીન લે સામે તેટલી જ જમીન ગૌચર માટે નીમ કરવાનો નિયમ છે, પણ તેમ થતું નથી. રાજ્યમાં 27 લાખ 67હજાર 964 ચોરસ મીટર જમીન ઔદ્યોગિક હેતુ માટે અપાઈ પણ સામે ગૌચર માટે જમીન નીમ કરાઈ નથી.
2. ખેડૂતો સિંચાઈ માટે પાણી માગતા નથી
માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે તેમને પ્રશ્નના બદલામાં મળેલા લેખિત જવાબને ટાકીને સવાલ કર્યો હતો. તેમના વિસ્તારમાં બનેલી નાની-મોટી સિંચાઈ યોજનાઓ બંધ પડી છે તેને ફરી ક્યારે શરૂ કરાશે? જેની સામે લેખિતમાં વિભાગે જવાબ આપેલો કે ખેડૂતો સિંચાઈ માટે પાણીની માગણી કરતા નથી!
3. અમારા પ્રશ્નો રહી જાય છે
ગૃહની બીજી બેઠકના પ્રારંભે પ્રશ્નોતરીકાળ દરમિયાન વાહન અકસ્માતમાં થયેલ મૃત્યુની ઘટનામાં રાજ્ય સરકારે કરેલી સહાયનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો. આ પ્રશ્નમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓએ પેટા પ્રશ્નો કરતા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર અકળાયા હતા. પોતાની બેઠક પર બેઠા બેઠા જ તેમણે કોમેન્ટ કરી કે, લાંબા પ્રશ્નો ચલાવો પછી અમારા પાછળના પ્રશ્નો રહી જાય છે. તરત જ આખાબોલા નીતિન પટેલે ટકોર કરી કે અમને કેમ કહો છો? તમારા નેતા(પરેશ ધાનાણી) ને કહો. આ જ પ્રશ્નમાં હોસ્પિટલોને સહાય અંતર્ગત કેટલી રકમ ચૂકવાય તેવો સવાલ કોંગ્રેસના શૈલેષ પરમારે કરતા જ અધ્યક્ષે હળવી શૈલીમાં કહ્યું કે એનો જવાબ નીતિનભાઈ માં આવે. તમે કહો તો એ જવાબ આપે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ હસતા હસતા કોમેન્ટ આપી કે, નીતિનભાઈ બોલવા ઉભા થાય પછી જલ્દી બેસતા નથી.
4. હાથીને હાથી સાબિત કરતા 20 વર્ષ થયાં
ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન રાજુલા અને જાફરાબાદ ની ગટર યોજના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં સરકારે યોજના પૂર્ણ થઈ હોવાનું કહ્યું હતું પણ અંબરીશ ડેરે દલીલ કરતા કહ્યું હતું કે કામ ભલે પૂર્ણ થયું હોય પણ લોકોને ઉપયોગી થાય એ રીતે થયું નથી. માત્ર કાગળ પર યોજના પુરી થઇ છે. નીતિન પટેલે વળતી દલીલ કરી હતી કે સાબિત કરો ત્યારે અંબરીશ ડેરે કટાક્ષમાં કહ્યું હતું કે હાથીને હાથી સાબિત કરવામાં 20 વર્ષ નીકળી ગયા, હું પણ પ્રયાસ કરી રહ્યો છું.
5. બલરામ થવાણી ગૃહમાં થુક્યા?
ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીને પ્રેક્ષકોની ગેલેરીમાં રહેલી બેઠક વ્યવસ્થા માં બેસાડાયા છે. ગૃહની બેઠક ચાલુ હતી તે દરમિયાન અચાનક જ થવાણી ખોંખારો ખાઈને ગેલેરીમાં જ થુક્યા હતા. બાદમાં તેમણે પાણી પીને ગેલેરીમાં જ કોગળો કર્યો હોય તેવું પણ જણાયું. આ જ બાબત અધ્યક્ષના ધ્યાને આવતા બેઠકમાં પડેલી રિસેસમાં તેમણે થવાણીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા. એ સમયે ભાજપના દંડક પંકજ દેસાઈ પણ ત્યાં હાજર હતા અને બન્નેએ થવાણીને આ હરકત બદલ ઠપકો આપ્યો હતો. જોકે થવાણીએ પોતે સૂકા આમળાં ખાતા હોવાનો અને તે ગળામાં ભરાઈ જતા ખોંખારો ખાઈ પાણી પીધાંનો બચાવ કર્યો હતો.
6. મહિલા ઉદ્યોગ સાહસિકો માત્ર આરંભે શૂરા
રાજ્યમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્લોટ ફાળવવા સહાય મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે સવાલ કર્યો હતો. જવાબમાં મુખ્યમંત્રી એ લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અમદાવાદ જિલ્લા સહિતના સ્થળોએ 420 મહિલા ઉદ્યોગ સાહસિકોને 419 પ્લોટ ફાળવવામાં આવ્યા હતા જે પૈકી માત્ર 188 પ્લોટ પર ઉદ્યોગ શરૂ થયા અને 10 પ્લોટ પર કામ પ્રગતિમાં છે. એ રીતે ફળવેલા 419 પ્લોટ પૈકી માત્ર 231 પ્લોટ પર જ ઉદ્યોગ શરૂ થયા છે.
7. સરકારી વિભાગો પાસેથી મહાત્મા મંદિરના લેણા બાકી
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે જ્યા વાઇબ્રન્ટ ગુજરાત સહિતના આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ યોજાય છે એ મહાત્મા મંદિરને જ સરકારી વિભાગો કાર્યક્રમ પેટેની રકમ ચૂકવતા નથી. ધારાસભ્ય અશ્વિન કોટવાલ કરેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી એ લેખિતમાં જવાબ આપ્યો હતો કે મહાત્મા મંદિરમાં છેલ્લા 2 વર્ષમાં 42 સરકારી કાર્યક્રમ અને 33 ખાનગી કાર્યક્રમ મળી કુલ 75 કાર્યક્રમ થયા. જેના થકી ભાડા પેટે 15 કરોડ 51 લાખ 21 હજાર 344ની આવક થઈ. પણ સરકાર પાસેથી રૂ. 2 કરોડ 2 લાખ 90 હજાર 999ની વસુલાત હજુ બાકી છે. આ મુદ્દે વિવિધ વિભાગોને અનેક વખત વસુલાત માટે પત્ર મોકલવા છતાં કોઈ ચૂકવણી થઈ નથી.