જામનગર,
રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં જામનગરની બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
બીજી તરફ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા પાટીદારોએ જામનગરના રણજીતનગર ખાતે દેખાવો યોજીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ સમાજનો દુરઉપયોગ કરીને સક્રીય રાજકારણમાં હાર્દિક પટેલ જોડાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. પાટીદારોએ દેખાવો યોજીને હાર્દિકના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા.
પાટીદાર સમાજ સાથે મેં કોઈ દ્રોહ કર્યો નથી:હાર્દિક
તો બીજીબાજુ હાર્દિકે આજે કહ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટીની વિચાર ધારા સાથે જોડાયેલો છું, પાટીદાર સમાજ સાથે મેં કોઈ દ્રોહ કર્યો નથી. જો લાલજી પટેલને લાગતું હોય તો તે સમાજ માટે કામ કરે. અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને અમે બનતી મદદ કરી છે. મહેસાણાના પરિવારના એક સભ્યને અમે નોકરી પણ આપી છે.
લાલજી પટેલનો મોટો પડકાર
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં એસપીજી નેતા લાલજી પટેલે મોટો પડકાર ફેંક્યો હતો. લાલજી પટેલે હાર્દિક પટેલના રાજકારણ પ્રવેશ અંગે કથિત નારાજગી વ્યક્ત કરી.
આ અંગે આરોપ મુક્યો હતો કે, હાર્દિક પટેલે સમાજના હિત માટે આવ્યા હતા. પરંતુ સમાજને પુછ્યા વિના રાજકારણમાં પ્રવેશ્યા છે. પાટીદારોનો પ્રેમ સમાજના પ્રશ્નો માટે હતો. હવે હાર્દિક પટેલ 5000 પાટીદારોને ભેગા કરી બતાવે એવો પડકાર ફેંક્યો હતો.
મહત્વનું છે કે હાર્દિક ઘણા સમય પહેલાં પાસના નેતા તરીકે અલ્પેશ કથીરિયાને કમાન સોંપી અને રાજકારણમાં પ્રવેશનો ઇશારો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો ત્યારબાદ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રી પણ નિવેદનો આપ્યા હતા કે હાર્દિક પહેલાંથી જ કોંગ્રેસના ઈશારે કામ કરી રહ્યો હતો અને તેણે પાટીદાર આંદોલનના માધ્યમથી રાજ્યમાં સામાજિક સરસતા ખોરવવાનું અને શાંતિ ડહોળવાનું કામ કર્યુ હતું.