દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં તાલુકામાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાનો સિંહણ ડેમ ઓવર ફલો થઇ ગયો છે. ડેમમાં ઉપરવાસના પાણીની આવક થતા ડેમ ઓવર ફલો થઈ ગયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું.
તો બીજી તરફ સિંહણ ડેમ ઓવર ફલો થતાં સવારથી મોટી સંખ્યામાં લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા, અને લોકોએ તે રમણીય સૌંદર્યથી ભરેલો નજારો માણયો હતો. ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો પણ રાજીના રેડ થયા છે, પરંતુ જો આગામી સમયમાં વરસાદ અવિરત ચાલુ રહેશે તો આ પાણી વિનાશ પણ સર્જી શકે તેવી ભીતી પણ સેવાઈ રહી છે.
જયારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા દેવભૂમિ દ્વારકાના કલેકટર જે.આર.ડોડીયાએ જણાવ્યું હતું કે,
“ગઈ કાલે 17 જુલાઈના રોજ છેલ્લા 24 કલાકમાં ખંભાળિયામાં 16 ઇંચ વરસાદ પડ્યો હતો. આમ, ભારે માત્રામાં વરસાદ પડતા ખંભાળિયા તાલુકાના શહેરો અને નાના-નાના ગામડાઓમાં પાણી ભરવાના પ્રશ્નો સર્જાયા હતા. જેનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા ઉચિત પગલાં લેવામાં આવ્યા છે. જયારે ગઈ કાળના રોજ વરસાદના કારણે સિંહણ ડેમ ઓવર ફ્લો થઇ જતા, નીચાણવાળા ગામોને જાણ કરી દેવામાં આવી હતી જેના કારણે તેઓ સલામત સ્થળે ખસી ગયા હતા.જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નહોતી.”
જયારે અન્ય સ્થાનિકે જણાવ્યું હતું કે,
“વરસાદ પડતા સિંહણ ડેમ ઓવર ફ્લો થયો છે જણા કારણે ખેડૂતોમાં અને અન્ય લોકોમાં આનંદનો અનુભવ પ્રસરી ગયો છે. સાથે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડેમ ઓવર ફ્લો થતા કોઈએ નીચાણવાળા વિસ્તારમાં જવું નહિ. જેની લોકોએ જાણ લીધી હતી.”