રાજ્યમાં કાચા અને જર્જરિત મકાનો પડવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યારસુધીમાં અનેક લોકો આ પ્રકારના મકાનો પડવાથી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે, ત્યારે જૂનાગઢના વિસાવદરમાં પણ એક કાચું મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે.
વિસાવદરમાં બનેલી ઘટનામાં માતા અને એક પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે પિતા અને અન્ય એક પુત્રને ઈજા થતા તેઓને વિસાવદર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
મળતી માહિતી અનુસાર, ગઈ કાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ વિસાવદરનાં જીવાજીના ડેલામાં રહેતા દિનેશ મકવાણાના કાચા મકાનની છત અચાનક ધરાશાયી થઇ ગઇ હતી. આ સમયે ધરમાં રહેલા પુત્ર અને માતાનું કાટમાળમાં દટાઈ જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે દીનેશભાઈ અને તેના મોટા પુત્ર દીપસને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.