પોતાનું ઘર કે, જ્યાં સૌ કોઇ ને દુનિયાભરની શાંતિ મળે છે..ચેન મળે છે…અમન મળે છે….અને તેથી જ દુનિયાનો છેડો ઘર તેમ કહેવાય છે. જે જરાપણ ખોટું કે અતિશયોક્તિ ભર્યું નથી. ત્યારે જરા એક મિનીટ વિચારો કે, તમે સુંદર ફિઝામાં , આલીશાન મકાનના માલિક છો..તમારે ફ્રુટ્સ એટલે કે સફરજન, કેસર કે અન્ય કોઇપણ ફળોના બગીચા છે. એક સુકુનભરી જીંદગી જીવી રહ્યા છો. અને અચાનક તમને તેવી પરિસ્થિતિમાં મુકવામાં આવે છે કે જ્યાં તમારે તમારો જીવ બચાવવા રાતોરાત તમારા પરિવાર સાથે આ બધી જાહોજલાલી છોડી ભાગવું પડે છે. તમે એક મુફલીસ બની રેન્બસેરામાં વસવાટ કરો છો. પરંતુ આ બિહામણું ચિત્ર કેટલા દિવસ વેઠસો ? કેટલા દિવસ આ દુ:સ્વપ્ન માં ગુજારસો? શું તેનો કોઈ અંત જ નહિ હોય? ત્યારે આ પીડા નું શું? પોતાનું ઘર, પોતાની સંસ્કૃતિ, પોતાનો વારસો ..પોતાનું સ્વાભિમાન અને પોતાની આજીવન અને વારસમાં મળેલ મિલકતો છોડી આવવાની આ વ્યથાનું શું?
જી, હા આટલું લખ્યા પછી તમે સમજી જ ચુક્યા હશો કે અહી વાત કાશ્મીરી પંડિતોની જ છે. કે જેમના હજારો કુટુંબો આજેપણ રેફ્યુજી કેમ્પોમાં જીવનના દિવસો મને કમને પસાર કરી રહ્યા છે. ઇન્ફેક્ટ આપણી માનસિકતા મુજબ કોઈની વ્યથા પર વરસોના પડ ચડી જાય એટલે એ વાત તો હવે જુની થઇ…. એમ કહી ભવા ખેચી હાથ ખંખેરી લેવાના. પરંતુ શું વ્યથા જૂની થવાથી તેની પીડા સમી જાય? જીવનને ફરી થાળે પડવાના સપના આથમી જાય? તો આનો જવાબ પણ ના જ હોય ને.. એ તો જેના પર વીતી હોય કે વીતતી હોય તેને પૂછો. તો ખ્યાલ આવે કે કેટલાક ઘા કદી રુઝાતા નથી.
જો કે , અસલ માં કાશ્મીરમાં થી ધારા-૩૭૦ હટાવ્યા બાદ દોજખમાં જ બાકીનું જીવન સ્વીકારી ચૂકેલ કાશ્મીરી પંડિતોના દિલમાં એક આશા જાગી છે. એક હૈયાધારણા જન્મી છે. અને વળી આ જ તાકડે શિકારા જેવી ફિલ્મ પણ વિધુ વિનોદ ચોપરા દ્વારા પ્રદર્શિત થઇ રહી છે. ત્યારે ફરી એકવાર કાશ્મીરી પંડિતોનો મુદ્દો તાઝો થયો છે. અને થવો પણ જોઈએ. આખરે તેમનો ગુનો શું છે? આખરે ૩૦ વર્ષનો સમય ગાળો કોઈ નાનો સુનો નથી કે જે તેમણે વહી ગયેલ જિંદગીને ફરી વસાવવા માં વિતાવ્યો છે. ત્યારે જે લોકો CAA નો વિરોધ ભારત છોડવાના ડર માત્રથી કરી રહ્યા છે તેમને આ તીખો સવાલ છે કે, જે લોકો ભારતના નાગરિક છે તેમને સરકાર નીકાળી પણ નથી રહી તેમછતાં પોતાનો ગરાસ લુંટવાના ડર માત્રથી મહિનાઓથી ધરણા પર બેઠા છે. તો કાશ્મીરી પંડિતોનું શું કે જેમનો પોતાનો દેશ, પોતાનું ઘર, પોતાનું રાજ્ય હોવા છતાં કોઇપણ ગુના વગર તડીપાર ની સ્થિતિમાં મુકવામાં આવ્યા છે.
બાય ધ વે, આ મામલો છેક ૧૯૮૯ ની આસપાસનો છે. જયારે ૧૯૮૯ થી ૧૯૯૫ વચ્ચે એક કત્લેઆમ ચલાવવામાં આવી હતી. કાશ્મીરના ખાસ તો પન્નુંનમાં કાશ્મીરી પંડિતો વસતા હતા અને એટલે જ વિસ્થાપિત પંડિતોએ પન્નુંન નામનું સંગઠન પણ બનાવ્યું છે.
આ કત્લેઆમ માં કોઇપણ કારણ વિના ૬૦૦૦ જેટલા પંડિતો ને મારી નાખવામાં આવ્યા. આ ક્ષેત્ર માં આ સમય દરમ્યાન લુંટ, ખૂન, દુષ્કર્મ, અને આગ લગાવવાની અનેક ઘટનાઓ બની . ત્યારે પોતાનો જીવ બચાવવા ૭૫૦૦૦૦ જેટલા પંડિતો એ ઘાટીમાં થી રાતોરાત પોતાના ઘર-બાર છોડી પલાયન કર્યું.૧૫૦૦ જેટલા મંદિરોને આ દરમ્યાન નષ્ટ કરવામાં આવ્યા. ૬૦૦ જેટલા કાશ્મીરી પંડિતોના ગામોના નામો બદલીને ઇસ્લામી નામો આપવામાં આવ્યા. પરંતુ આ લાચાર પંડિતોની સહાયે કોઈ ના આવ્યું. ત્યારે સવાલ તે થાય છે કે, આ તે ક્યાં પ્રકારના સેક્યુલરવાદ માં આપણે જીવી રહ્યા છીએ. કે જ્યાં ધર્મના નામે લોકોને પંપાળવામાં આવે છે. અને મતોનું રાજકારણ ખેલવા અન્યાય સામે પણ શાહમૃગ નીતિ અપનાવાય છે.
વધુમાં આ મુદ્દે હાલની સ્થિતિ તે છે કે, કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતોના હવે ફક્ત ૮૦૮ જેટલા જ પરિવારો વસી રહ્યા છે. તથા તેના ૫૯૪૪૨ નોધાયલા સભ્યો બહાર છે. અને જ્યાં જગ્યા કે તક મળી ત્યાં પોતાનો નવો આશીયાનો બનાવી ચુક્યા છે. પરંતુ જે લોકોની મિલકતો ત્યાં હતી તેઓ આજે પણ ભલે ત્યાં ફરી આવી વસવા ઈચ્છે કે ના ઈચ્છે પણ તેમની મિલકતો તો તેમને પરત મળવી જ જોઈએ.
અને અગર તેઓ પરત આવવા ઈચ્છે તો તેમને પુરતી સુરક્ષા અને સરક્ષા સાથે બાઅદબ બાઈજજત વસાવવા જોઈએ. આખરે તેઓ પણ આ દેશના નાગરિક છે. કોઈને તેઓ હિંદુ તરીકે આંખમાં ખૂંચ્યા અને તેમની મિલકતો મફતમાં હડપવા પેતરા રચ્યા ત્યારે આ હરકત ચલાવવી તે પણ દેશની એક નાકામી છે.
અસલમાં અહી હિંદુ કે મુસ્લિમ તેમ કોઈ ધર્મ ને નિશાન બનાવવાનો આશય નથી. વાત અન્યાયની છે. જે અન્યાય ચાહે મુસ્લિમ સામે હોય કે ચાહે હિંદુ સામે હોય પરંતુ કોઇપણ દેશ માટે સંવિધાનની રૂહે તેઓ આ દેશના એક નાગરિક છે. અને તેમને સરક્ષિત , સુરક્ષિત અને સમાનપણે જીવવાનો અધિકાર છે. કોઇપણ ધર્મની આળપંપાળ કરી બીજાને અન્યાય થવા દેવો તે અક્ષ્ય્મ અપરાધ છે.ત્યારે હવે જયારે ધારા-૩૭૦ હટાવવામાં આવી છે ત્યારે બહુ સ્વાભાવિકપણે કાશ્મીરી પંડિતોને ન્યાય મળવો જોઈએ. અને આવું થશે ત્યારે જ કાશ્મીર પણ સાચા અર્થમાં દેશની જન્નત બની શકશે…
@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી………
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.