કોરોના એક નવા વેરિઅન્ટ સાથે પરત ફર્યો છે, જેણે સમગ્ર દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. દરમિયાન, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંક્રમણ અને રસીકરણની સ્થિતિ અંગે સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી છે. જોકે, રાહતની વાત એ છે કે ભારતમાં નવા વેરિઅન્ટનો કોઈ કેસ નથી. તેમ છતા આ અંગે એલર્ટ જારી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માંગ કરી છે કે નવા વેરિઅન્ટથી પ્રભાવિત દેશોની ફ્લાઇટ્સ બંધ કરવામાં આવે, કારણ કે મહા મુશ્કેલીથી દેશ કોરોનાનાં સંક્રમણમાંથી બહાર આવી રહ્યો છે.
આ પણ વાંચો – નકલી નોટોનો કારોબાર / અમદાવાદની 13 બેંકોમાં 10થી લઈને 2000 સુધીની નકલી નોટો થઈ જમા
એક ટ્વિટમાં કેજરીવાલે કહ્યું, “હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે તેઓ એવા દેશોની ફ્લાઇટ્સ બંધ કરે જ્યાં કોવિડ-19નું નવું વેરિઅન્ટ મળી આવ્યું છે. આપણો દેશ ખૂબ જ મુશ્કેલીથી કોરોનામાંથી બહાર આવવામાં સફળ રહ્યો છે. આપણે આ નવી વેરિઅન્ટને ભારતમાં પ્રવેશતા અટકાવવાનાં તમામ પ્રયાસો કરવા જોઈએ.”નવા કોવિડ વેરિઅન્ટથી આવતા આફ્રિકન દેશોનાં જોખમને ધ્યાનમાં રાખીને, કેજરીવાલે ગઈકાલે નિષ્ણાતોને જરૂરી સૂચનો સાથે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) સમક્ષ રજૂઆત કરવા વિનંતી કરી હતી. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે 10:30 વાગ્યે વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે COVID-19 અને રસીકરણને લગતી પરિસ્થિતિ પર એક બેઠકની અધ્યક્ષતા કરી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીકે મિશ્રા, PM મોદીનાં અગ્ર સચિવ, ડૉ. વીકે પોલ, નીતિ આયોગનાં સભ્ય (સ્વાસ્થ્ય) અને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ બેઠકમાં હાજરી આપી.
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું હતું કે, તેમની સરકારે આફ્રિકન દેશોમાંથી કોવિડ-19નાં નવા વેરિઅન્ટનાં ખતરાને ધ્યાનમાં રાખીને લેવાતા પગલા અંગે ચર્ચા કરવા માટે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠક બોલાવી છે. કેન્દ્રએ ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી આવતા અથવા આ દેશોથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કડક તપાસ કરવા જણાવ્યું હતું. આ દેશોમાં કોવિડ-19નાં નવા વેરિઅન્ટ નોંધાયા છે, જે જાહેર આરોગ્ય પર ગંભીર અસરો કરી શકે છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા બે વર્ષમાં લાખો લોકોનો ભોગ લેનાર કોરોના એક નવા રૂપ સાથે પાછો ફર્યો છે. કોરોનાનું આ નવું વેરિઅન્ટ ‘B.1.1529’ દક્ષિણ આફ્રિકા અને બોત્સ્વાનામાં જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મ્યુટેશનની દ્રષ્ટિએ આ નવા વેરિએન્ટે પહેલા આવેલા તમામ વેરિયન્ટ્સને પાછળ છોડી દીધા છે. આ નવો ચેપ ડેલ્ટા કરતા વધુ ખતરનાક છે અને તેનાથી વધુ ચેપી છે. નવા વેરિઅન્ટ ‘B.1.1529’નાં અત્યાર સુધીમાં 26 કેસ નોંધાયા છે અને તે ત્રણ દેશો બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગમાં ફેલાયેલા છે. દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનામાં નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદ બ્રિટને દક્ષિણ એશિયાનાં છ દેશોની મુસાફરી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. આ અંગે ભારતે એલર્ટ પણ જાહેર કર્યું છે. જો કે, દેશમાં અત્યાર સુધી કોવિડ વેરિઅન્ટ B.1.1.529 નો કોઈ કેસ નોંધાયો નથી.