થોડા દિવસ પહેલા અહેવાલ હતા કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે હિંદુ યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ બાદ બંને સગીરાનું મુસ્લિમ સમુદાય દ્વારા પરાણે ધર્મ પરિવર્તન પણ કરાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ભારતે કડક વલણ અપનાવતા પાકિસ્તાનમાં પોતાના ભારતીય ઉચ્ચાયુક્ત પાસેથી અહેવાલ માગ્યો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે લીધેલાં આ પગલાં બાદ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને તુરંત તપાસના આદેશ પણ આપી દીધા છે.
આજે બપોરે સુષ્મા સ્વરાજે આ ઘટના સાથે જોડાયેલા મીડિયા અહેવાલને ટ્વિટ કરતા પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયુક્તને અહેવાલ મોકલવા જણાવ્યું હતું. આ ટ્વિટ બાદ પાકિસ્તાનના સૂચના મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે આ ઘટનાની તપાસ થઈ રહી છે. ઉદ્રુમાં કરેલા ટ્વિટમાં સૂચનામંત્રીએ લખ્યું હતું કે પાક પીએમ ઇમરાન ખાને હિંદુ યુવતીઓ સાથે થયેલી શરમજનક ઘટનામાં તપાસના આદેશ આપી દીધા છે. પીએમ ઇમરાન ખાને સિઁધ પ્રાંતના મુખ્યમંત્રી સાથે પણ આ ઘટના અંગે ચર્ચા કરી હતી અને આ મુદ્દે ઝડપી કામગીરી કરવાના આદેશ પણ આપ્યા છે.
નોંધનીય છે કે આ ઘટના હોળીની પૂર્વ સંધ્યાએ બની હતી. સિઁધ પ્રાંતના ઘોટકી જિલ્લાના ધારકી શહેરમાંથી સગીરાઓને ઉઠાવાઇ હતી. આ ઘટના બાદ આ વિસ્તારમાં હિંદુઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. પાકિસ્તાન હિંદુ સેવા વેલફેર ટ્રસ્ટના અધ્યક્ષ સંજય ધનજાએ પાક પીએમને આ મુદે ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગણી પણ કરી છે.