હવે બીરભૂમ હિંસા અને આગચંપી કેસની સીબીઆઈ તપાસ થશે. કલકત્તા હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં ટીએમસી નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. અહીં અનેક ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આગમાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા. જેમાં 3 મહિલાઓ પણ સામેલ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હવે બંગાળ પોલીસની SIT આ કેસ સીબીઆઈને સોંપશે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું છે કે પુરાવા અને ઘટનાની અસર દર્શાવે છે કે રાજ્ય પોલીસ તેની તપાસ કરી શકતી નથી. હાઈકોર્ટે સીબીઆઈને 7 એપ્રિલ સુધીમાં તેનો પ્રોગ્રેસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.બીરભૂમ હિંસામાં કોલકાતા હાઈકોર્ટે પણ સુનાવણીની સુઓ મોટુ સંજ્ઞાન લીધી હતી.
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં SITની રચના કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ મામલાની તપાસ SIT અથવા CBI દ્વારા કરવામાં આવે. આ અરજી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ દાખલ કરી છે.
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી હિંસાના કેસમાં ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મૃતકોને જીવતા સળગાવવામાં આવે તે પહેલા ખૂબ જ માર મારવામાં આવ્યો હતો.