લખીમપુર ખીરી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટીએ સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. સમિતિએ તેના અહેવાલમાં કહ્યું છે કે એસઆઈટીએ આશિષ મિશ્રાને આપવામાં આવેલ જામીન રદ કરવા માટેની અરજી દાખલ કરવા માટે યુપી રાજ્યને બે વખત ભલામણો મોકલી હતી. આટલું જ નહીં, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પુરાવા એ વાતની પુષ્ટિ કરે છે કે આશિષ ઘટનાસ્થળે જ હતો, તેને ઘટનાના દિવસે ડેપ્યુટી સીએમના રૂટમાં ફેરફારની પણ જાણ હતી.
3 ઓક્ટોબર, 2021 ના રોજ, લખીમપુરના ટિકુનિયામાં હિંસામાં 8 લોકો માર્યા ગયા હતા. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુએ પોતાની જીપ વડે ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ પછી રોષે ભરાયેલા ટોળાએ આશિષના ડ્રાઈવર સહિત ચાર લોકોની હત્યા કરી નાખી હતી.
આ કેસમાં ઉત્તર પ્રદેશ એસઆઈટીએ 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. SITએ મુખ્ય આરોપી તરીકે આશિષ મિશ્રાને નામ આપ્યું હતું. આટલું જ નહીં, SIT અનુસાર, આશિષ ઘટનાસ્થળે હાજર હતો. આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા.
આશિષ મિશ્રાના જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર એસઆઈટીની દેખરેખ કરી રહેલા હાઈકોર્ટના નિવૃત્ત જજે આશિષ મિશ્રાના જામીન રદ કરવાની અપીલની ભલામણ કરી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પાસેથી જવાબ માગતા પૂછ્યું કે આશિષ મિશ્રાની જામીન રદ કરવાની અપીલ અંગે યુપીનું શું વલણ છે?